લેવી 25
1સિનાઈ પર્વત પર યહોવાહે મૂસાને કહ્યું,
2“તું ઇઝરાયલી લોકોને આ કહે કે, ‘જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે.
3છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો.
4પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો વિશ્રામવાર થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહિ.
5જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય.
6એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે;
7અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે.
8તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ.
9પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.
10અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું.
11એ પચાસમાંનું વર્ષ તમારા માટે ખાસ જ્યુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી.
12કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો.
13જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું.
14જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ.
15જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.
16જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે.
17તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
18મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો.
19ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો.
20તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?”
21સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
22તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો.
23જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો.
24ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે.
25જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.
26તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય,
27તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે.
28પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે.
29જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.
30જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય.
31પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ.
32તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.
33જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે.
34પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે.
35તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે.
36તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે.
37તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું.
38તમને કનાનનો દેશ આપવા માટે અને તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.
39તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ.
40તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો. અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જ્યુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે.
41પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે.
42કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ.
43તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો.
44અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા.
45વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય.
46તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમ જ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહિ.
47જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે,
48તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે.
49તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે.
50તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.
51જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો. અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય.
52ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો.
53વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું. અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહિ.
54જો જ્યુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં,
55કેમ કે, ઇઝરાયલીઓ મારા સેવકો છે; તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath