લેવી 19
1યહોવાહે મૂસાને કહ્યું,
2“ઇઝરાયલના સર્વ લોકોને કહે કે, ‘તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર પવિત્ર છું.
3તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું.
4મૂર્તિઓ તરફ ન ફરો અને તમારા માટે ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ. હું યહોવાહ તમારો ઈશ્વર છું.
5તમે જ્યારે યહોવાહની આગળ શાંત્યર્પણો ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તમે તેમની આગળ માન્ય થાઓ.
6જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું.
7જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ.
8પણ જે કોઈ તે ખાય તેનો દોષ તેના માથે રહે. કેમ કે તેણે યહોવાહનું પવિત્ર અર્પણ અપવિત્ર કર્યુ છે. તેથી તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.
9જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ.
10એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું.
11ચોરી કરવી નહિ. જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.
12મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું.
13તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.
14બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.
15ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાણિક રહેવું, ગરીબો પ્રત્યે દયા દર્શાવીને એનો પક્ષ ન લેવો કે કોઈ માણસ મહત્વનો છે એવું વિચારીને એનો પક્ષ ન લેવો. પણ તેના બદલે હંમેશા ઉચિત ન્યાય કરવો.
16તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું.
17તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.
18કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું.
19મારા નિયમો પાળજો. તમારા પશુઓને જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહિ. તેમ જ જુદી જુદી બે જાતના તારનુ વણેલુ કાપડ પણ પહેરશો નહિ.
20અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી.
21તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું.
22પછી તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજકે તે વ્યક્તિના દોષાર્થાર્પણ માટે તે ઘેટા વડે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરવું, એટલે તેને માફ કરવામાં આવશે.
23કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા . તેમને ખાવા નહિ.
24પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા.
25પાંચમે વર્ષે તમે તેનાં ફળ ખાઈ શકો છો. એમ કરવાથી તે તમને વધારે ફળ આપશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.
26તમારે રક્તવાળું માંસ ખાવું નહિ. ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.
27તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ.
28મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું.
29તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય.
30તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું.
31ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
32તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.
33જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ.
34તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.
35તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ.
36તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું.
37તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath