લેવી 14
1યહોવાહે મૂસાને કહ્યું,
2“જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો.
3યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી કે જો રોગ મટી ગયો હોય,
4તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી.
5યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી.
6પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં.
7જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.
8જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.
9સાતમે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમ જ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય.
10આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.
11શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવાહ સમક્ષ રજૂ કરવો.
12પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણ ને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કરે.
13તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને તથા દહનીયાર્પણના હલવાનને કાપવામાં આવે છે ત્યાં કાપવો. પાપાર્થાર્પણની માફક દોષાર્થાર્પણ યાજકને આપી દેવું, કેમ કે તે પરમપવિત્ર અર્પણ છે.
14પછી યાજકે આ દોષાર્થાર્પણનું રક્ત લઈને જે માણસ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું.
15પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું.
16તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાહની સમક્ષ સાત વખત તે તેલનો છંટકાવ કરવો.
17યાજક હથેળીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે માણસના જમણા કાનની બુટ્ટી, જમણા હાથ તથા જમણા પગના અંગૂઠા પર જ્યાં પહેલાં દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું ત્યાં લગાડવું.
18યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું.
19પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય, તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહનીયાર્પણના પશુને મારી નાખવું.
20પછી યાજકે વેદીની અગ્નિ પર દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.
21તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.
22તથા બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં, તે લાવી શકે તેમ હોય તે લાવવાં, તેઓમાંનું એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનીયાર્પણ માટે.
23આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.
24પછી યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાહની સમક્ષ તે તેઓનું અર્પણ કરે.
25તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે.
26પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું.
27અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું.
28તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.
29તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું.
30અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું,
31જેવું તે મેળવી શકે એવું, પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાહની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.
32કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે.”
33યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
34“મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ટ રોગ મૂકું,
35તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, ‘મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.’”
36યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય.
37રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો,
38પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું.
39પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,
40તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી.
41ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.
42જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું.
43પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,
44તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.
45તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.
46એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
47જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં.
48પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી.
49પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે.
50એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું.
51તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.
52આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી.
53પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.
54બધી જ જાતના કુષ્ટ રોગ, એટલે સોજા, ચાંદાં, ગૂમડાં માટે,
55વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે,
56કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે,
57કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath