લેવી 13
1યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું,
2“જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.
3પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.
4જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.
5સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો.
6યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.
7પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું.
8યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
9જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો.
10યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાંઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય,
11તો એ કુષ્ટરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તેને જુદો રાખવો નહિ, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે.
12જો યાજકને ખબર પડે કે કુષ્ટરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય,
13એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે.
14પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.
15યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે.
16પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે.
17યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.
18જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય,
19ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું.
20યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.
21પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો.
22જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે.
23પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.
24જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય,
25તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
26પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો.
27પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે.
28જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.
29જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય,
30તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.
31જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.
32યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે,
33તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.
34યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.
35પણ તે વ્યક્તિને યાજકે શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય,
36તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.
37પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળાં વાળ ઊગવા માંડે તો તે કુષ્ટરોગ નથી. તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.
38જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડ્યા હોય,
39તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે.
40જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે.
41અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.
42પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કુષ્ટરોગની શરૂઆત થઈ છે એમ મનાય.
43પછી યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય, તો તેને રોગ થયો છે અને તે અશુદ્ધ છે.
44તો તે કુષ્ટરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.
45જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, ‘અશુદ્ધ, અશુદ્ધ.’
46જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલાં દિવસો સુધી તે અશુદ્ધ ગણાય. કેમ કે તે અશુદ્ધ છે, તે એકલો રહે. છાવણીની બહાર તેનું રહેઠાણ થાય.
47જો તે વસ્ત્ર કુષ્ટરોગના રોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય,
48તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય,
49તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો.
50યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.
51સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે.
52તે રોગવાળા વસ્ત્રને બાળી નાખે અથવા તે ચેપ તાણાને કે વાણાને, શણના વસ્ત્રને, ઊનના, ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ, કેમ કે તે કોહવાડતો રોગ છે. તેને સંપૂર્ણપણે આગમાં બાળી નાખવો.
53જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય,
54તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી.
55પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.
56જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી.
57છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી.
58જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.
59ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath