લેવી 10
1હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી.
2તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.
3પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.
4મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, “અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”
5આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા.
6પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, “તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે.
7તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે.” તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.
8યહોવાહે હારુનને કહ્યું,
9“જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે.
10તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો.
11જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો.”
12મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, “યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.
13તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.
14યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે.
15ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય.”
16પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું,
17“તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે.
18જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું.”
19પછી હારુને મૂસાને જવાબ આપ્યો, “જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?”
20જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath