ખ્રિસ્તી ધર્મ
પાછા

યહૂદાનો પત્ર 1

1ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.

2તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.

3પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.

4કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.

5હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.

6અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.

7તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે.

8તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.

9પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.”

10તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.

11તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.

12તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;

13તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.

14વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ,

15સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.”

16તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.

17પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો;

18તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.”

19તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.

20પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને

21અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.

22અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.

23અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.

24હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને

25એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath