ખ્રિસ્તી ધર્મ
પાછા

યહોશુઆ 8

1અને યહોવાહે યહોશુઆને કહ્યું, “બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે.

2જેમ તેં યરીખો અને તેના રાજાને કર્યું તેમ આયને અને તેના રાજાને કર, તેનો માલ અને પશુઓ તમારા પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે.”

3તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.

4તેઓને આજ્ઞા કરી કે, “જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો.

5હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું.

6તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, ‘પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.’ માટે અમે તેઓથી દૂર નાસીશું.

7પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઊઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવાહ તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે.

8નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાહનાં વચન પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે.”

9યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.

10યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.

11સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.

12તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આય નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.

13તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.

14જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે.

15તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો, તેઓ અરણ્ય તરફ નાસી ગયા.

16તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.

17હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.

18યહોવાહે યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ.” યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.

19જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.

20આયના માણસો પાછા વળ્યા. અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચઢતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા.

21જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં.

22ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.

23તેઓએ આયના રાજાને પકડયો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા.

24એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તલવારની ધારથી નાશ કર્યો.

25તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.

26યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો, તેને પાછો ખેંચી લીધો નહિ.

27જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.

28અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.

29તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.

30ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી,

31જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.

32અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.

33અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.

34ત્યાર પછી યહોશુઆએ નિયમનાં સર્વ વચનો, આશીર્વાદો અને શાપો, જે નિયમશાસ્ત્રમાં લખેલાં હતાં, તે સર્વ વાંચી સંભળાવ્યાં.

35ઇઝરાયલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્યે રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહિ હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ના હોય.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath