યૂના 1
1હવે ઈશ્વરનું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું કે,
2“ઊઠ મોટા નગર નિનવે જા, અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની વધી રહેલી દુષ્ટતા મારી નજરે ચડી છે.”
3યૂના ઊઠ્યો તો ખરો, પણ તેણે ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા માટે યાફામાં ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેનું ભાડું તેણે ચૂકવ્યું. અને ઈશ્વરની સમક્ષતામાંથી તાર્શીશ જતા રહેવા તે વહાણમાં બેઠો.
4પણ ઈશ્વરે સમુદ્ર પર ભારે ઝંઝાવાત મોકલ્યો. સમુદ્રમાં મોટું તોફાન ઝઝૂમ્યું. ટૂંક સમયમાં જ એવું લાગવા લાગ્યું કે હવે વહાણ તૂટી જશે.
5તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.
6વહાણના ટંડેલે તેની પાસે આવીને કહ્યું, “તું શું કરે છે? ઊંઘે છે? ઊઠ! તારા ઈશ્વરને વિનંતી કર, કદાચ તારો ઈશ્વર આપણને ધ્યાનમાં લે, અને આપણે નાશ પામીએ નહિ.”
7તે પ્રવાસીઓએ એકબીજાને કહ્યું, “આવો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે આપણા પર આવેલા આ વિધ્ન માટે જવાબદાર કોણ છે?” તેથી તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ત્યારે ચિઠ્ઠી, યૂનાના નામની નીકળી.
8એટલે તેઓએ યૂનાને કહ્યું, “કૃપા કરીને અમને જણાવ કે તું કોણ છે કે જેના લીધે આ સંકટ આવી પડ્યું છે? તારો વ્યવસાય શો છે? તું ક્યાંથી આવ્યો છે? તારો દેશ કયો છે? તું કયા લોકોમાંથી આવે છે?”
9યૂનાએ તેઓને કહ્યું, “હું એક હિબ્રૂ છું; સાગરો અને ભૂમિના સર્જક ઈશ્વર પ્રભુનો ડર રાખું છું.”
10ત્યારે તે માણસો વધારે ભયભીત થયા. તેઓએ યૂનાને કહ્યું, “તેં આ શું કર્યું?” કેમ કે તેના કહેવાથી તેઓના જાણવામાં આવ્યું કે તે ઈશ્વરની સમક્ષતામાંથી ભાગી રહ્યો છે.
11પછી તેઓએ યૂનાને પૂછ્યું, “આ સમુદ્ર, અમારે સારુ શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” કેમ કે સમુદ્રમાં વાવાઝોડું વધતું જતું હતું.
12યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો. એમ કરવાથી સમુદ્ર શાંત થઈ જશે કેમ કે હું સમજું છું કે મારે લીધે જ આ મોટું વાવાઝોડું તમારા પર ઝઝૂમેલું છે.”
13કિનારે પાછા પહોંચી જવા માટે ખલાસીઓએ બહુ હલેસાં માર્યા, પણ તેઓ પહોંચી શક્યા નહિ કેમ કે સમુદ્ર વધુ ને વધુ તોફાની બની રહ્યો હતો.
14એથી તેઓએ ઈશ્વરને પોકારીને કહ્યું, “હે ઈશ્વર, અમે વીનવીએ છીએ કે આ માણસનાં જીવના લીધે અમારો નાશ થવા દેશો નહિ અને તેના મરણનો દોષ અમારા પર મૂકશો નહિ. કેમ કે હે ઈશ્વર, તમને જે ગમ્યું તે મુજબ જ કર્યું છે.”
15એવું કહીને તેઓએ યૂનાને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર તરત જ શાંત પડ્યો.
16ત્યારે તે માણસોને ઈશ્વરનો અતિશય ડર લાગ્યો. તેઓએ ઈશ્વરને બલિદાનો ચઢાવ્યાં અને માનતાઓ માની.
17ઈશ્વરે એક મોટી માછલી યૂનાને ગળી જવા સારુ તૈયાર રાખી હતી. માછલી તેને ગળી ગઈ. યૂના ત્રણ દિવસ તથા ત્રણ રાત્રી પર્યંત તેના પેટમાં રહ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath