ખ્રિસ્તી ધર્મ
પાછા

અયૂબ 9

1ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,

2હા, “હું જાણું છું કે એમ જ છે. પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?

3જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.

4ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?

5તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.

6તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. અને તેના સ્થંભો કંપે છે.

7તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.

8તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે.

9જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.

10ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.

11જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.

12તે પકડી લે તો તેમને કોણ રોકી શકે? તેમને કોણ પૂછી શકે કે, ‘તમે શું કરો છો?’

13ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે.

14ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?

15જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત.

16જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ.

17તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.

18તે મને શ્વાસ લેવા દેતા નથી, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે.

19જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે! અને જો ન્યાય વિષે બોલીએ ‘તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?’

20જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.

21હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી હું મારા જીવનને ધિક્કારું છું.

22પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે.

23જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.

24પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે?

25મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે. મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી.

26તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.

27જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ. હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ.

28હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.

29હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?

30જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું ,

31તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.

32કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ.

33અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.

34જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે અને તે મને ડરાવે નહિ.

35તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું. પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath