અયૂબ 21
1પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
2“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
3મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
4શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
5મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
6હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
7શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
8દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
9તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.
10તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.
11તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે.
12તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.
13તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.
14તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.
15તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?
16જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.
17દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
18તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?
19તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’ તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.
20તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.
21તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે?
22શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.
23માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
24તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
25પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
26તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
27જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
28માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’
29શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
30ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?
31તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
32તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
33ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
34તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath