ખ્રિસ્તી ધર્મ
પાછા

યોહાન 19

1ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.

2સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;

3તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

4પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

5ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’

6જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

7યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.

8તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;

9અને તેણે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.

10ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’”

11ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’”

12આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.

13ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

14હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’

15ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’”

16ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

17પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા.

18તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.

19પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’”

20જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

21તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો.

22પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’”

23સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.

24પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

25પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.

26તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’

27ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

28તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’”

29ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.

30ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

31તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’”

32એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.

33જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

34તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.

35જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.

36કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;

37વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”

38આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો.

39જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.

40ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો.

41હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.

42તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath