યોહાન 10
1હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.
2પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.
3દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
4જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
5તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’”
6ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
7તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.
8જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
9પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.
10ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
11ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.
12જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.
13તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
14ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
15જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
16મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
17પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
18કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”
19આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
20તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
21બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
22હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
23ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
24ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
25ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
26તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
27મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
28હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
29મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
30હું તથા પિતા એક છીએ.’”
31ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
32ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”
33યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
34ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
35જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,
36તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
37જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
38પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”
39ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
40પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
41ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
42ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath