યર્મિયા 8
1યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે.
2સૂર્ય, ચંદ્ર અને આકાશના સર્વ સૈન્ય જેઓના પર તેઓએ પ્રેમ રાખ્યો છે, તેઓ વંઠી ગયા છે. જેઓને તેઓએ શોધ્યા છે અને જેમની તેઓએ પૂજા કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નંખાશે અને ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, તેઓ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઈ જશે.
3વળી આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતા રહેશે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાં બાકી રહેલા સર્વ લોક જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે. એમ સૈન્યોના યહોવાહ કહે છે.
4વળી તું તેઓને કહે કે, યહોવાહ આમ કહે છે કે; શું કોઈ પડી જાય છે તો તે પાછો ઊભો નહિ થાય? શું કોઈ ભૂલો પડે તો તે પોતાના ઠેકાણે પાછો નહિ આવે?
5યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે, તેઓ હંમેશને માટે કેમ પાછા હઠી ગયા છે? તેઓ દુષ્કર્મોને વળગી રહે છે. અને પાછા આવવાની ના પાડે છે.
6મેં ધ્યાન દઈને સાભળ્યું, પણ તેઓ સાચું બોલ્યા નહિ; કોઈ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કોઈ કહેતું નથી કે, “અરે, અમે આ શું કર્યું?” જેમ ઘોડાઓ યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓમાંના દરેક પોતપોતાના માર્ગમાં આગળ વધે છે.
7આકાશમાં ઊડતો સારસ પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ કબૂતર, અબાબીલ તથા બગલો પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.
8તમે એવું કહો છો કે, “અમે જ્ઞાની છીએ! અને અમારી પાસે યહોવાહનું નિયમશાસ્ત્ર છે” પણ, જુઓ, લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કર્યું છે.
9જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે?
10તે માટે હું તેઓની સ્ત્રીઓને બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી માંડીને મોટા સુધી સર્વ લોભિયા બન્યાં છે. પ્રબોધકોથી તે યાજ્ક સુધી સર્વ જૂઠાણું ચલાવે છે.
11અને કંઈ પણ શાંતિ ન હોવા છતાં, “શાંતિ, શાંતિ,” એમ કહીને, તેઓએ મારા લોકની દીકરીઓના ઘા ઉપરઉપરથી રુઝાવ્યા છે.
12તેઓએ ધિક્કારપાત્ર કામ કર્યું હતું પણ શું તેઓને શરમ લાગે છે? ના, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તેથી તેઓનું પણ પતન થશે. હું જ્યારે તેઓને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે. એમ યહોવાહ કહે છે.
13યહોવાહ કહે છે કે, હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષો થશે નહિ, અંજીરીને અંજીર લાગશે નહિ અને તેનાં પાંદડાં ચીમળાશે; વળી મેં તેઓને જે કંઈ આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.
14આપણે કેમ અહીં બેસી રહીએ છીએ? આવો, આપણે બધા; કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મૃત્યુ પામીએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાહે આપણો નાશ કર્યો છે અને આપણને પીવાને ઝેર આપ્યુ છે. કેમ કે આપણે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.
15આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહિ, આપણે સારા સમયની રાહ જોઈ હતી, પણ જુઓ, ભય આવી પડ્યો.
16તેઓના ઘોડાઓનાં હણહણાટ દાનથી સંભળાય છે, તેઓના સમર્થકોના ખોંખારાના સાદથી આખી ભૂમિ ધ્રૂજી ઊઠે છે, તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર અને તેના વતનીઓને ખાઈ નાખ્યા છે.
17માટે જુઓ, હું તમારા પર સર્પોને એટલે મંત્રથી વશ ન થઈ શકે તેવા નાગને તમારામાં મોકલીશ. અને તેઓ તમને કરડશે. એમ યહોવાહ કહે છે.
18મારું હૃદય થાકી ગયું છે, મારા ખેદનો અંત નથી.
19જુઓ, દૂર દેશમાંથી મારા લોકોની દીકરીઓના રુદનનો પોકાર સંભળાય છે, શું યહોવાહ સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોતરેલી મૂર્તિઓથી અને પારકી વસ્તુઓ દ્વારા મને ક્રોધિત કર્યો છે?
20કાપણી પૂરી થઈ છે; ઉનાળો વીતી ગયો છે, તોપણ અમે ઉદ્ધાર પામ્યા નથી.
21મારા લોકોની દીકરીના ઘાને જોઈને મારું હૈયું ઘવાય છે, જે ભયાનક બાબતો તેની સાથે બની એને લીધે હું શોક કરું છું; હું ભયભીત થઈ ગયો છું.
22શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી?
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath