ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 6

1“હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.

2સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ.

3ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે.

4યહોવાહના નામે તેની સામે ચઢાઈ કર. ઊઠ, આપણે મધ્યાહને તેના પર હુમલો કરીએ. આપણને અફસોસ! સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સંધ્યાની છાયા લંબાતી જાય છે.

5ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.

6સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.

7જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.

8માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.

9સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ.

10કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.

11પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.

12તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે. કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે.

13કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.

14કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.

15તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.

16યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો. ‘આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?’ તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે. પણ લોકો કહે છે, “અમે તે માર્ગે ચાલીશું નહિ.”

17મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.”

18આથી યહોવાહે કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.

19હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.

20શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનીયાર્પણને માન્ય કરીશ નહિ. અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી.

21તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ અને તેઓ પિતા અને પુત્ર બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે પડોશી અને તેના મિત્રો બધા જ નાશ પામશે.

22યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.

23તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.

24અમે તે વિશેના સમાચાર સાંભળ્યા છે. અમારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે. અમને જાણે પ્રસૂતિની જેવી પીડા થાય છે.

25બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ, કેમ કે સર્વત્ર શત્રુની તલવારનો ભય લાગે છે.

26હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.

27મેં તને મારા લોકમાં પારખનાર તથા કોટરૂપ કર્યો છે જેથી તું તેઓના માર્ગ જાણે અને તેનું મૂલ્યાંકન કરે.

28એ બધા અધમ બંડખોરો છે અને તેઓ ચાડી કરતા ફરે છે. તેઓ પિત્તળ જેવા અને લોખંડ જેવા છે. તેઓ સર્વ દુષ્ટ છે.

29ધમણ ચાલે છે અને વેગથી હવા ફૂંકે છે; સીસું અગ્નિથી બળી ગયું છે. શુદ્ધ કરનાર પીગાળવાને વ્યર્થ મહેનત કરે છે. કેમ કે દુષ્ટોને કાઢવામાં આવ્યા નથી.

30તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath