ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 50

1બાબિલ અને ખાલદીઓના દેશ વિષે યહોવાહે જે વચન યર્મિયા પ્રબોધક મારફતે કહ્યું તે આ છે.

2“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’

3ઉત્તર દિશામાંથી લોક તેના પર ચઢી આવે છે, તેઓ તેના દેશને વેરાન બનાવી દેશે, માણસ કે પશુ તેમાં રહેશે નહિ, તેઓ ત્યાંથી નાસી જશે.

4યહોવાહ કહે છે, “તે દિવસોમાં અને તે સમયે’ ઇઝરાયલપુત્રો અને યહૂદિયાના લોકો સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના ઈશ્વર યહોવાહની શોધ કરશે.

5તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવાહ સાથેના સંબંધમાં જોડાઈએ.

6મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.

7જે કોઈ તેઓને મળ્યા, તે સર્વ તેઓને ખાઈ ગયા, તેઓના શત્રુઓએ કહ્યું કે, તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવાહ, હા, તેઓના પૂર્વજોની આશા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.’

8બાબિલમાંથી નાસી જાઓ અને ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ. અને ટોળાંની આગળ ચાલનાર બકરાના જેવા થાઓ.

9કેમ કે જુઓ, હું ઉત્તર દિશામાંથી મોટી પ્રજાઓના સમુદાયને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરીશ. તેઓ તેની સામે મોરચો માંડશે અને તેને કબજે કરશે. તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછું આવશે નહિ.

10ખાલદી દેશને લૂંટી લેવામાં આવશે અને જેઓ તેને લૂંટશે. તેઓ સર્વ લૂંટથી તૃપ્ત થશે.” એવું યહોવાહ કહે છે.

11હે મારી વારસાને લૂંટનારાઓ, તમે આનંદ માણો છો અને મોજ કરો છો; તમે ગોચરમાં કૂદકા મારતા વાછરડાની જેમ દોડો છો; તમે બળવાન ઘોડાની જેમ હણહણો છો;

12તેથી તમારી માતા બહુ લજ્જિત થશે. તમારી જનેતા શરમાશે. જુઓ, તે રણ, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.

13યહોવાહના ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન બની જશે. બાબિલ પાસે થઈને જતાં સૌ કોઈ કાંપશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.

14બાબિલની આસપાસ હારબંધ ગોઠવાઈ જાઓ, સર્વ ધનુર્ધારીઓ તેને તાકીને બાણ મારો. તમારાં તીર પાછાં ન રાખો, કેમ કે તેણે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે.

15તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો!

16બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો. જુલમી તલવારને લીધે તેઓ પોતપોતાના લોકની પાસે દોડી આવશે. અને પોતપોતાના વતનમાં નાસી જશે.

17ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

18તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, મેં જે રીતે આશ્શૂરના રાજાને શાસન આપ્યું છે તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ શાસન આપીશ.

19ઇઝરાયલને હું પાછો તેના બીડમાં લાવીશ, તે કાર્મેલ પર્વત અને બાશાન પર ચઢશે. અને તેનો જીવ એફ્રાઇમ અને ગિલ્યાદમાં સંતોષાશે.

20યહોવાહ કહે છે કે, તે સમયોમાં તથા તે દિવસોમાં, ઇઝરાયલનો દોષ શોધશે, પણ તેઓને મળશે નહિ. હું યહૂદિયાના પાપની તપાસ કરીશ, પણ તે મળશે નહિ. કેમ કે, જેમને હું જીવતા રહેવા દઈશ તેમને હું માફ કરીશ.”

21“મેરાથાઈમ દેશ પર હા, તે જ દેશ પર અને પેકોદના વતનીઓ પર ચઢાઈ કર, તેઓની પાછળ પડીને તેઓનો ઘાત કર તેઓનો સંહાર કરો. “મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે, તે પ્રમાણે કર, એમ યહોવાહ કહે છે.

22દેશમાં રણનાદ અને ભયંકર યુદ્ધનો પોકાર સંભળાય છે.

23આખા જગતનો હથોડો કેવો કપાઈ ગયો છે તથા ભાંગીતૂટી ગયો છે. પ્રજાઓમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે.

24હે બાબિલ, મેં તારા માટે જાળ બિછાવી છે. તું તેમાં સપડાઈ ગયો છે અને તને તેની ખબર નથી. તું મળ્યો અને તું પકડાયો છે, કેમ કે તેં મને એટલે યહોવાહને પડકાર આપ્યો છે.”

25યહોવાહે પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢ્યાં છે. કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહે ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.

26છેક છેડેથી તેના પર ચઢી આવો. તેના અનાજના ભંડારો ખોલી નાખો અને તેનો ઢગલો કરો. તેનો નાશ કરો. તેમાંથી કશું પણ બાકી ન રહેવા દો.

27તેના સર્વ બળદોને મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો. તેઓને અફસોસ તેઓના દિવસો ભરાઈ ચૂક્યા છે તેઓની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.

28આપણા ઈશ્વર યહોવાહે લીધેલું વૈર, તેઓના સભાસ્થાન વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સાદ સંભળાય છે.

29“બાબિલની સામે તીરંદાજોને એટલે ધનુષ્યબાણ ચલાવનારા સર્વને બોલાવો. તેને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઈ નાસી જવા પામે નહિ, તેનાં કૃત્યો પ્રમાણે તેને બદલો આપો, તેણે બીજાની જે દશા કરી છે તે પ્રમાણે તેને કરો. કેમ કે, યહોવાહની આગળ ઇઝરાયલના પવિત્રની આગળ તે ઉદ્ધત થયો છે.

30તેથી યુવાન માણસો મહોલ્લાઓમાં પડશે. અને તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” એવું યહોવાહ કહે છે.

31આપણા પ્રભુ સૈન્યોના યહોવાહ કહે છે, જુઓ, હે અભિમાની લોકો, હું તમારી વિરુદ્ધ છું. “હે અભિમાની લોક, હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે. તે સમયે હું તમને શિક્ષા કરીશ.

32હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઈને પડશે. કોઈ તેઓને ઊભા નહિ કરે. હું તારાં નગરોમાં આગ લગાડીશ; અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.”

33સૈન્યોના યહોવાહ કહે છે; “ઇઝરાયલના અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. જેઓ તેઓને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેઓને પકડી રાખે છે; તેઓ તેમને છોડી મૂકવાની ના પાડે છે.

34પરંતુ તેઓનો ઉદ્ધારક બળવાન છે. તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને માટે અને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચે તેઓનો પક્ષ રાખશે.

35યહોવાહ આ પ્રમાણે કહે છે કે, ખાલદીઓ પર “અને બાબિલના સર્વ વતનીઓ પર, તેના સરદારો પર અને જ્ઞાનીઓ પર તલવાર ઝઝૂમે છે.

36તેના જૂઠા યાજકોને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેઓની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેથી તેઓ ભયભીત થશે.

37તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તલવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તલવાર આવી છે અને તે લૂંટાઈ જશે.

38તેનાં જળાશયો પર સુકવણું આવ્યું છે. તેઓ સુકાઈ જશે. કેમ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે ત્રાસદાયક મૂર્તિઓ પ્રત્યે મોહિત થયા છે.

39આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.

40યહોવાહ કહે છે કે, જેમ ઈશ્વરે સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું ત્યાં કરીશ. ત્યાં કોઈ વસશે નહિ; અને તેમાં કોઈ માણસ મુકામ કરશે નહિ.

41જુઓ, ઉત્તર દિશામાંથી લોક આવે છે, એક બળવાન પ્રજા અને ઘણા રાજાઓ આવશે દૂર દેશમાં યુદ્ધની તૈયારી કરવામાં આવી છે.

42લોકોએ ધનુષ્ય અને તલવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ દરેક માણસ ગર્જના કરતા આવે છે, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.

43જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેના હાથ લાચાર થઈને હેઠા પડ્યા. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તે વેદનાથી પીડાવા લાગ્યો.

44જુઓ, સિંહ યર્દનના જંગલમાંથી ચઢી આવે છે. તેમ તે ગૌચરની જગ્યાએ ચઢી આવશે. હું તેઓને ઓચિંતા તેની પાસેથી નસાડીશ. અને જે પસંદ થયેલા છે તેઓને હું તેઓના પર નીમીશ. કેમ કે મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાંપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?

45માટે હવે બાબિલ વિષે યહોવાહના મનમાં શી યોજના છે તે સાંભળી લો, અને ખાલદીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે સાંભળો, નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઈ જશે. અને તે તેમની સાથે તેઓના ઘેટાંના વાડાને નિશ્ચે ઉજ્જડ કરી નાખશે.

46બાબિલના પતનથી પૃથ્વી કંપે છે અને તેનો અવાજ દૂરના દેશો સુધી સંભળાય છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath