યર્મિયા 46
1પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
2મિસર વિષે; “મિસરના રાજા ફારુન નકોનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.
3તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.
4ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ. ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.
5પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.
6જે વેગવાન તે નાસી ન જાય. જે શૂરવીર તે બચી શકે નહિ, તેઓ ઉત્તર તરફ ફ્રાત નદી પાસે ઠોકર ખાઈને પડ્યા છે.
7નીલ નદીઓના પૂરની જેમ જે ચઢી આવે છે જેનાં પાણી નદીઓના પૂરની જેમ ઊછળે છે તે કોણ છે?
8મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે. તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.’
9હે ઘોડાઓ તમે દોડી આવો, હે રથો તમે ધૂમ મચાવો, અને શૂરવીરો આગળ આવો’ ઢાલ ધારણ કરેલા કૂશીઓ અને પૂટીઓ તથા ધનુર્ધારી લૂદીમીઓ બહાર આવો.
10સૈન્યોના પ્રભુ યહોવાહનો વેર લેવાનો દિવસ છે અને તે પોતાના દુશ્મનો ઉપર વેર વાળશે. આજે તેમની તલવાર ધરાઈને તેમને ખાઈ જશે અને તૃપ્ત થતાં સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાહને ઉત્તરદેશમાં ફ્રાત નદીને કિનારે બલિદાનો આપવામાં આવે છે.
11હે મિસરની કુમારિકા, ગિલ્યાદ જા અને શેરીલોબાન લે. તું ઘણાં ઔષધનો ઉપચાર કરશે પણ તું સ્વસ્થ થશે નહિ.
12સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.”
13મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે;
14“મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમ જ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, હોશિયાર, તૈયાર તમારી આસપાસ તલવારે વિનાશ કર્યો છે.
15શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા.
16તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, “ચાલો; ઊઠો આ જુલમગારની તલવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી કુટુંબમાં પાછા જઈએ.”
17ત્યાં તેઓએ પોકારીને કહ્યું કે, “મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે તેણે આવેલી તક ગુમાવી છે.”
18જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, “મારા જીવના સમ’ તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.
19હે મિસરમાં રહેનારી દીકરીઓ, તમારો સામાન બાંધો અને બંદીવાસમાં જવાને તૈયાર થાઓ. કેમ કે નોફ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિહીન તથા ઉજ્જડ થશે.
20મિસર સુંદર યુવાન વાછરડી છે. પણ ઉત્તરમાંથી એક ડંક મારનાર માખી આવે છે. તે આવી રહ્યો છે.
21તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.
22નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે. તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડી લઈ તેના પર આવી પડશે.
23યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે’ “જો કે તે ખૂબ ગીચ છે. તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.
24મિસરની દીકરીનું અપમાન થશે. તેને ઉત્તરના લોકના હાથમાં સોંપવામાં આવશે.
25સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હવે હું નોનો શહેરના આમોનને, ફારુનને, મિસરને, તેના દેવોને તથા તેના રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓ સર્વને સજા કરીશ.
26હું તેઓને તેઓનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” એમ યહોવાહ કહે છે.
27“હે મારા સેવક યાકૂબ, બીશ નહિ. હે ઇઝરાયલ તું ગભરાઈશ નહિ. કેમ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઈ તમને ડરાવશે નહિ.
28યહોવાહ કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું. જે દેશોમાં મેં તમને વિખેરી નાખ્યા છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ. નિશ્ચે હું તને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath