યર્મિયા 42
1પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો દીકરો યોહાનાન અને હોશાયાનો દીકરો યઝાન્યા નાના તેમ જ મોટા બધા લોકો યર્મિયા પ્રબોધક પાસે ગયા.
2તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારે સારુ એટલે આ બાકી રહેલાને સારુ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કર.
3તમે યહોવાહ તમારા ઈશ્વરને એવી પ્રાર્થના કરો અમારે કયે માર્ગે ચાલવું અને શું કરવું તે કહે.”
4તેથી યર્મિયા પ્રબોધકે તેઓને કહ્યું, મેં તમારું સાંભળ્યું છે. જુઓ, હું તમારી ઇચ્છા મુજબ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને કશું છુપાવીશ નહિ.”
5ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “યહોવાહ અમારા સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ, કે જે કંઈ તારા ઈશ્વર યહોવાહ તમારી મારફતે અમને કહેશે તે મુજબ અમે પાલન કરીશું.
6અમારા ઈશ્વર યહોવાહની પાસે તને મોકલીએ છીએ અમે તેમનું કહ્યું કરીશું, પછી ભલે તે સારું હોય કે ખરાબ હોય. અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માનવાથી અમારું હિત થાય.”
7દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાની પાસે યહોવાહનું વચન આવ્યું.
8ત્યારે યર્મિયાએ કારેઆના દીકરા યોહાનાનને, તેની સાથેના સર્વ સૈન્યોના સરદારોને તથા નાનામોટા બધા લોકોને બોલાવ્યા.
9અને તેણે તેઓને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ પ્રાર્થના તથા નિવેદન કરવા માટે તમે મને મોકલ્યો હતો, એમ યહોવાહ કહે છે;
10જો તમે આ દેશમાં નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ અને તોડી પાડીશ નહિ, તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ, કેમ કે તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે.
11યહોવાહ કહે છે કે, બાબિલના રાજાથી તમે બીઓ છો પણ હવે જરાય બીશો નહિ, ‘કેમ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું.
12હું તમારા પર એવી દયા કરીશ કે તે તમારા પર દયા કરશે અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.
13પણ જો તમે કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ’ અથવા તમારા ઈશ્વર યહોવાહની વાણી અમાન્ય કરશો,
14જો તમે એમ કહેશો કે, “ના, અમે તો મિસર જઈશું, ત્યાં અમારે લડાઈ જોવી નહિ પડે કે, રણશિંગડાનો નાદ સાંભળવો નહિ પડે અને ત્યાં અમે ભૂખ્યા રહીશું નહિ. ત્યાં અમે રહીશું.”
15યહૂદિયાના બાકી રહેલા લોક યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જો તમે મિસર જવાની વૃત્તિ રાખશો અને ત્યાં જઈને રહેશો તો,
16જે તલવારથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે. અને ત્યાં તમે મરી જશો.
17તમારામાંથી જે લોકો મિસરમાં જઈને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઈ રહી છે. હા, તમે તલવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઈ પણ બચવા પામશે નહિ.
18કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’
19હે યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાહ કહે છે કે, તમે મિસર જશો નહિ. મેં આજે તમને ચેતવણી આપી છે તેમ નિશ્ચે જાણજો.
20કેમ કે તમે તમારાં હ્રદયોમાં કપટ કર્યું છે. ‘કારણ કે અમારા ઈશ્વર યહોવાહની આગળ અમારે માટે પ્રાર્થના કર. અને જે કંઈ અમારા ઈશ્વર યહોવાહ કહે છે તે તું અમને કહેજે અને અમે તે કરીશું.’
21આજે મેં તમને તે જણાવ્યું છે. પરંતુ જે બાબતો વિષે તમારા ઈશ્વર યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે. તેમાંની એક પણ બાબતમાં તમે યહોવાહનું સાંભળ્યું નથી.
22અને તેથી તમે નિશ્ચે જાણજો કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તેમાં તમે તલવારથી, દુકાળથી અને મરકીથી મૃત્યુ પામશો.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath