યર્મિયા 41
1પણ એમ બન્યું કે સાતમા મહિનામાં અલિશામાનો દીકરો નથાન્યાનો દીકરો ઇશ્માએલ જે રાજવંશી હતો, તેમ જ રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહમાં અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવ્યો. તેઓએ સાથે મિસ્પાહમાં ભોજન કર્યું.
2પછી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસોએ ઊઠીને શાફાનના દીકરા અહિકામનો દીકરો ગદાલ્યા કે જેને બાબિલના રાજાએ દેશમાં અધિકારી નીમ્યો હતો તેને તલવારથી મારી નાખ્યો.
3જે યહૂદીઓ ગદાલ્યા સાથે મિસ્પાહમાં હાજર હતા તેઓ સર્વેને તથા ત્યાં જે ખાલદીઓના યોદ્ધાઓ મળી આવ્યા તેઓને ઇશ્માએલે મારી નાખ્યા.
4ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજા દિવસે, આ વાતની કોઈને ખબર પડે તે પહેલાં,
5શખેમમાંથી, શીલોમાંથી તથા સમરુનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા અને પોતાના શરીરો પર પોતાને હાથે ઘા કરેલા એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા લોબાન લઈને યહોવાહના ઘરમાં આવ્યા હતા.
6તેથી નથાન્યાનો દીકરો ઇશ્માએલ તેઓને મળવા મિસ્પાહમાંથી નીકળ્યો જ્યારે તેઓ રડતાં રડતાં જતા હતા. તે તેઓને મળ્યો ત્યારે તેણે તેઓને કહ્યું, “અહિકામના દીકરા ગદાલ્યાની પાસે આવો.”
7તેઓ શહેરમાં આવ્યા ત્યારે નથાન્યાના દીકરા ઇશ્માએલે તથા તેની સાથેના માણસોએ તેઓને મારી નાખીને તેઓને ટાંકામાં ફેંકી દીધા.
8પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ, કેમ કે ઘઉં, જવ, તેલ અને મધના ભંડારો અમે ખેતરમાં સંતાડેલા છે.” તેથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેઓને તેઓના સાથીઓની જેમ મારી ન નાખ્યા.
9ગદાલ્યાની સાથે આવેલા માણસોને ઇશ્માએલે મારી નાખ્યા હતા તેઓ સર્વના મૃતદેહો તેણે એક ટાંકામાં નાખ્યા હતા, તે ટાંકું નથાન્યાના દીકરા ઇશ્માએલે મૃતદેહોથી ભર્યું હતું. અને તે ટાંકું આસા રાજાએ ઇઝરાયલના રાજા બાશાથી રક્ષણ મેળવવા બંધાવ્યું હતું.
10પછી મિસ્પાહમાંના જે લોકો બાકી રહેલા હતા તેઓ સર્વને ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો, એટલે રાજાની કુંવરીઓ તથા મિસ્પાહમાં બાકી રહેલા લોકો જેઓને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને અહિકામના દીકરા ગદાલ્યાના તાબામાં સોપ્યા હતા. એ સર્વને નથાન્યાનો દીકરો ઇશ્માએલ કેદ કરીને લઈ ગયો અને તે આમ્મોનીઓ તરફ જવા આગળ વધ્યો.
11પરંતુ નથાન્યાના દીકરા ઇશ્માએલે જે સર્વ ભૂંડાં કાર્યો કર્યા હતાં, તે વિષે જ્યારે કારેઆના દીકરા યોહાનાને અને તેની સાથેના સૈન્યના સર્વ અધિકારીઓએ સાંભળ્યું,
12ત્યારે તેઓ પોતાના સર્વ માણસોને લઈને નથાન્યાના દીકરા ઇશ્માએલની સામે યુદ્ધ કરવા માટે ગયા. અને ગિબ્યોનમાં જ્યાં પુષ્કળ પાણી છે ત્યાં તે તેઓને મળ્યો.
13હવે ઇશ્માએલ સાથેના બધા માણસો કારેઆના દીકરા યોહાનાનને અને તેની સાથેના સૈન્યોના સર્વ સરદારોને જોઈને પ્રસન્ન થયા.
14ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઈ ગયો હતો તેઓ સર્વ તેને છોડીને કારેઆના દીકરા યોહાનાનની સાથે ગયા.
15પરંતુ નથાન્યાનો દીકરો ઇશ્માએલ આઠ માણસો સાથે યોહાનાનથી છટકી ગયો અને આમ્મોનીઓ પાસે ગયો.
16પણ નથાન્યાનો દીકરો ઇશ્માએલ અહિકામના દીકરા ગદાલ્યાને મારી નાખ્યા પછી બાકી રહેલા લોકોને યોહાનાને મિસ્પાહમાં ઇશ્માએલના હાથમાંથી છોડાવ્યા હતા. એટલે કે જે લડવૈયા પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ખોજાઓને તે ગિબ્યોનમાંથી પાછાં લઈ આવ્યો હતો તેઓને કારેઆના દીકરા યોહાનાન તથા તેની સાથેના સૈન્યોના સર્વ સરદારો પોતાની સાથે લઈ ગયા.
17તેઓએ મિસરમાં જતાં ખાલદીઓના ડરને કારણે બેથલેહેમ પાસે કિમ્હામમાં મુકામ કર્યો.
18કેમ કે બાબિલના રાજાએ દેશના હાકેમ તરીકે નીમેલા અહિકામના દીકરા ગદાલ્યાને નથાન્યાના દીકરા ઇશ્માએલે મારી નાખ્યો હતો, તેથી તેઓ તેમનાથી બીતા હતા.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath