ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 40

1યરુશાલેમ અને યહૂદિયાના જે સર્વ બંદીવાનોને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા તેઓમાં યર્મિયા હતો અને તેને સાંકળે બાંધવામાં આવ્યો હતો. તેને રક્ષક ટુકડીના નાયક નબૂઝારઅદાને રામામાં છોડી દીધો, ત્યાર પછી યહોવાહનું જે વચન તેની પાસે આવ્યું તે આ છે.

2રક્ષક ટુકડીના સરદારે યર્મિયાને બોલાવ્યો અને તેને કહ્યું, “યહોવાહ તારા ઈશ્વરે આ સ્થાને આ વિપત્તિ લાવવાનું નિર્માણ કર્યું હતું.

3અને તેમના બોલ્યા પ્રમાણે તે આ વિપત્તિ લાવ્યા છે. કેમ કે તમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના વચનનું પાલન કર્યું નથી. તેથી આ દુઃખ તમારા પર આવી પડ્યું છે.

4પણ હવે જો હું તારા હાથે પહેરેલી સાંકળો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. જ્યાં જવું તને સારું તથા યોગ્ય લાગે ત્યાં તું જઈ શકે છે.”

5પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.

6પછી યર્મિયા અહિકામના દીકરા ગદાલ્યા પાસે મિસ્પાહમાં ગયો અને તેની સાથે જે લોકો દેશમાં બાકી હતા તેઓની સાથે રહ્યો.

7હવે જ્યારે સૈન્યના સરદારો તથા તેના માણસો જેઓ સીમમાં હતા, તેઓએ સાંભળ્યું કે, બાબિલના રાજાએ અહિકામના દીકરા ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે. અને પુરુષો, સ્ત્રીઓ, બાળકો, તથા દેશમાં બાકી રહેલા ગરીબ લોક બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ન હતા તેઓને તેના હાથમાં સોપ્યાં છે,

8ત્યારે નથાન્યાનો દીકરો ઇશ્માએલ, કારેઆનો દીકરો યોહાનાન અને યહોનાથાન તાન્હુમેથનો દીકરો સરાયા, એફાય નટોફાથીના દીકરા; માખાથીનો દીકરો યઝાન્યા તથા તેઓના માણસો મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

9શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની અને તેમના માણસો સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે, “ખાલદીઓની સેવા કરતાં ડરશો નહિ. આ દેશમાં રહીને બાબિલના રાજાની સેવા કરો. તેથી તમારું સારું થશે.

10અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”

11તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા સર્વએ સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદામાંના કેટલાકને હજુ પણ બાકી રહેવા દીધા છે. અને તેઓ પર શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને અધિકારી તરીકે નીમવામાં આવ્યો છે.

12ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.

13પછી કારેઆનો દીકરો યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતા, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યાં,

14તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાલિસે નથાન્યાના દીકરા ઇશ્માએલને તારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ તેઓની વાત પર વિશ્વાસ મૂક્યો નહિ.

15તેથી કારેઆના દીકરા યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે. અને તે વાતની કોઈને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? તેથી જે યહૂદીઓ તારી પાસે એકઠા થાય છે તેઓ વિખેરાઈ જાય. અને યહૂદિયાના બાકી રહેલા લોક નાશ પામે?”

16પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ કારેઆના દીકરા યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે કરીશ નહિ, કેમ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath