ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 36

1વળી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાહનું વચન યર્મિયાની પાસે આવ્યું કે,

2“જે દિવસથી મેં તારી સાથે વાત કરી એટલે કે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ અને યહૂદિયા તેમ જ બીજી પ્રજાઓ વિષે જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ એક ઓળિયું લઈને તેના પર લખ.

3કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.”

4તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.

5ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.

6માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ.

7કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”

8યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.

9યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.

10ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.

11હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા.

12ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.

13ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં.

14પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.

15તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું.

16બારુખે તેઓની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારુખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઈએ.”

17પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?”

18તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.”

19પછી અધિકારીઓએ બારુખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઈને પણ જાણ કરશો નહિ.”

20ત્યાર પછી લહિયો અલિશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.

21ત્યારે રાજાએ યેહૂદીને ઓળિયું લઈ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું લહિયા અલિશામાની ઓરડીમાંથી લાવ્યો અને રાજાના તથા રાજાની આસપાસ ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહુદીએ તે વાંચી સંભળાવ્યું.

22તે સમયે નવમા મહિનામાં રાજા તેના મહેલના હેમંતગૃહમાં બેઠો હતો. અને તેની આગળ સગડી બળતી હતી.

23જયારે યેહૂદીએ ત્રણચાર પાનાં વાંચ્યાં એટલે રાજાએ છરીથી તેટલો ભાગ કાપી લઈ સગડીમાં નાખ્યો. અને એમ આખું ઓળિયું સગડીમાં નાશ થઈ ગયું.

24આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં.

25જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ઓળિયું ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેના પર ધ્યાન આપ્યું નહિ.

26પછી રાજાએ બારુખ લહિયાને તથા યર્મિયા પ્રબોધકને પકડવા માટે યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને તથા આબ્દએલના દીકરા શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાહે તેઓને સંતાડી રાખ્યા હતા.

27બારુખે યર્મિયાના મુખના બોલેલા શબ્દો જે ઓળિયામાં લખ્યા હતા તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે,

28“પાછો જા, બીજું ઓળિયું લઈને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાનાં ઓળિયામાં જે લખ્યું હતું તે બધું તેમાં લખ.

29પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે’ એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.

30આથી યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે, તેનાં વંશમાંનો કોઈ દાઉદની ગાદીએ બેસશે નહિ. અને તેનો મૃતદેહ દિવસે તાપમાં અને રાત્રે હિમમાં બહાર પડી રહેશે.

31હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેઓનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ. અને તમારા પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે વિપત્તિ લાવવા વિષે કહ્યું હતું તે તમારી પર લાવીશ. મેં તમને ચેતવ્યા, પણ તમે સાંભળ્યું નહિ.”

32ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath