યર્મિયા 34
1જયારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય તેના તાબાનાં આ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો તથા સર્વ લોકો યરુશાલેમ સામે તથા તેનાં સર્વ નગરો સાથે યુદ્ધ કરતાં હતાં, ત્યારે યહોવાહનું જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ;
2“યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, યહોવાહ કહે છે કે; હું આ નગર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને આગ લગાડીને બાળી મૂકશે.
3તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.’”
4તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તલવારથી મૃત્યુ પામીશ નહિ.
5પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.’”
6તેથી યર્મિયા પ્રબોધકે યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન યરુશાલેમમાં કહી સંભળાવ્યાં.
7તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.
8યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે.
9દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.
10બધા જ સરદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા.
11પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
12તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;
13યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,
14‘તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
15મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી દ્દ્ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે હમણાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
16પરંતુ હવે તમે ફરી ગયા અને મારા નામને અપવિત્ર કર્યું. અને તમે છોડી મૂકેલાં દાસ દાસીઓને તમે પાછાં બોલાવી લીધાં છે. અને ફરી તમારાં ગુલામ બનાવ્યાં.”
17તેથી યહોવાહ કહે છે; તમે પોતાના ભાઈઓને અને પડોશીઓને મુકત કર્યા નથી. તેથી યહોવાહ કહે છે કે “હું તમને તલવાર, દુકાળ અને મરકીને હવાલે કરીશ. પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વિખેરી નાખીશ.
18જેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે, જેઓએ વાછરડાને બે ટુકડા કરી તેના બે ભાગો વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો. પણ તેનાં વચનો પાળ્યાં નથી.
19એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઈને ગયેલી દેશની સર્વ પ્રજાને.
20હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાશે.
21યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.
22યહોવાહ કહે છે; જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે અને તેને જીતી લેશે. અને તેઓ તેને આગ લગાડીને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath