યર્મિયા 26
1યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમની કારકિર્દીની શરૂઆતમાં આ વચન યહોવાહ પાસેથી આવ્યું.
2યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું યહોવાહના સભાસ્થાનના આંગણામાં ઊભા રહીને યહૂદિયાના સર્વ નગરોમાંથી જે લોકો ઘરમાં ભજન કરવા આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને કહેવા કહ્યું છે તે સર્વ બોલ. તેમાંનો એક પણ શબ્દ ભૂલ્યા વગર પૂરેપૂરું કહેજે!
3કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે શિક્ષા હું તેઓને આપવાનો વિચાર કરું છું. તે હું તેઓ પર ન મોકલું.
4વળી તું તેઓને કહેજે, યહોવાહ કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે તે મુજબ ચાલવાને,
5મારા સેવકો, પ્રબોધકો જેઓને હું આગ્રહથી તમારી પાસે મોકલું છું તેઓના વચનો તમે સાંભળશો નહિ,
6તો આ ભક્તિસ્થાનના હું શીલો જેવા હાલ કરીશ; અને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં હું નગરને શાપિત કરીશ.’”
7યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાહના ઘરમાં આ વચનો બોલતો સાંભળ્યો.
8યહોવાહે સર્વ લોકની આગળ યર્મિયાને જે પ્રમાણે બોલવાની આજ્ઞા આપી હતી તે સર્વ મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરું કર્યુ કે તરત જ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામીશ!
9તેં શા માટે યહોવાહના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ સભાસ્થાનની હાલત શીલો જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઈ જશે?” પછી સર્વ લોકો યહોવાહના ઘરમાં યર્મિયાની પાસે એકઠા થયા.
10આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજાના મહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાહના ભક્તિસ્થાનના નવા પ્રવેશદ્વાર આગળ બેસી ગયા.
11પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઈએ, કેમ કે તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે જેમ તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે!”
12ત્યારે યર્મિયાએ સર્વ અધિકારીઓને અને સર્વ લોકોને કહ્યું કે, “આ નગર તથા સભાસ્થાનની વિરુદ્ધ ભવિષ્યવાણી જે તમે સાંભળી છે તે કહેવા માટે યહોવાહે મને મોકલ્યો છે.
13માટે હવે, તમારાં આચરણ અને કૃત્યો સુધારો અને તમારા ઈશ્વર યહોવાહનું કહ્યું સાંભળો, તો કદાચ તમારા પર જે વિપત્તિ લાવવા યહોવાહ બોલ્યા છે તે વિષે તેઓ પશ્ચાતાપ કરે.
14પણ જુઓ, હું તો તમારા હાથમાં છું. તમને જે યોગ્ય અને સારું લાગે તે મને કરો.
15પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ નગર અને તેના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લેવાના બદલ અપરાધી ઠરશો. કેમ કે ખરેખર યહોવાહે મને આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”
16ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. કેમ કે તે આપણા ઈશ્વર યહોવાહને નામે બોલ્યો છે.”
17પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.
18તેઓએ કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મીખાહ મોરાશ્તી ઈશ્વરનાં વચન કહેતો હતો અને તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે સૈન્યોના યહોવાહ કહે છે કે; “સિયોન ખેતરની જેમ ખેડાઈ જશે અને યરુશાલેમ ખંડેરનો ઢગલો થઈ જશે. અને સભાસ્થાનનો પર્વત વનનાં ઉચ્ચસ્થાન જેવો થશે.”
19ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”
20વળી કિર્યાથ-યારીમનો એક વતની એટલે શમાયાનો દીકરો ઉરિયા, યહોવાહને નામે ભવિષ્ય કહેતો હતો. તેણે આ નગર તથા દેશની વિરુદ્ધ યર્મિયાનાં સર્વ વચનો પ્રમાણે ભવિષ્ય કહ્યું.
21પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
22ત્યારે યહોયાકીમ રાજાએ આખ્બોરના દીકરા એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા.
23તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો.
24પરંતુ શાફાનના દીકરા અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા સારુ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath