ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 20

1હવે ઈમ્મેરનો દીકરો પાશહૂર યાજક યહોવાહના સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને આ ભવિષ્યવાણી કહેતો સાંભળ્યો,

2તેથી પાશહૂરે યર્મિયા પ્રબોધકને માર્યો. પછી તેણે તેને યહોવાહના સભાસ્થાનની પાસે બિન્યામીનની ઉપલી ભાગળમાં હેડ હતી તેમાં તેને મૂક્યો.

3બીજા દિવસે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “યહોવાહે તારું નામ પાશહૂર નહિ, પણ માગોર-મિસ્સાબીબ એટલે સર્વત્ર ભય એવું પાડ્યું છે.

4કેમ કે યહોવાહ કહે છે કે તું પોતાને તથા તારા સર્વ મિત્રો પર ભયરૂપ થઈ પડે એવું હું કરીશ. તેઓ પોતાના શત્રુઓની તલવારથી મૃત્યુ પામશે. અને તું તારી નજરે જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઈશ. તે તેઓને કેદ કરીને બાબિલ લઈ જશે અને ત્યાં તેઓને તલવારથી મારી નાખશે.

5હું આ નગરની સર્વ સંપત્તિ, તેની સર્વ પેદાશ અને તેની સર્વ કિંમતી વસ્તુઓ અને યહૂદિયાના રાજાઓનો બધો ખજાનો તેઓના શત્રુઓને સોંપી દઈશ, તેઓ તેને લૂંટશે. અને તેઓને પકડીને બાબિલ લઈ જશે.

6વળી હે પાશહૂર, તું અને તારા ઘરમાં રહેનાર સર્વ બંદીવાન થશો. તમને બાબિલ લઈ જવામાં આવશે, અને ત્યાં તું તેમ જ તારા સર્વ મિત્રો જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે. તેઓ પણ ત્યાં મરશે. અને ત્યાં જ તેઓને દફનાવામાં આવશે.

7હે યહોવાહ, તમે મને છેતર્યો છે; અને હું ફસાઈ ગયો. મારા કરતાં તમે બળવાન છો અને તમે મને જીત્યો છે. હું આખો દિવસો તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ લોકો મારી મશ્કરી કરે છે.

8કેમ કે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાંટા પાડીને બલાત્કાર તથા લૂંટ એવી હું બૂમ પાડું છું. કેમ કે યહોવાહનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારો તિરસ્કાર અને નિંદા થાય છે.

9હું જો એમ કહું કે, ‘હવે હું યહોવાહ વિષે વિચારીશ નહિ અને તેમનું નામ હું નહિ બોલું.’ તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી પીડા મારા હૃદયમાં થાય છે. અને ચૂપ રહેતાં મને કંટાળો આવે છે. હું બોલ્યા વગર રહી શકતો નથી.

10મેં ચારે બાજુથી તેઓની ધમકીઓ સાંભળી અને મને ડર છે, તેઓ કહે છે; ‘આપણે ફરિયાદ કરીશું.’ મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતા નિહાળવાને તાકે છે કે, કદાચ તે ફસાઈ જાય. અને ત્યારે આપણે તેને જીતીએ તો તેના પર આપણે વેર વાળીશું.’

11પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવાહ મારી સાથે છે. જેઓ મારી પાછળ પડ્યા છે તેઓ ઠોકર ખાઈને પડી જશે. તેઓ મને હરાવશે નહિ. તેઓ અતિશય લજ્જિત થશે. તેઓ ફતેહ પામશે નહિ. તેઓનું અપમાન કાયમ રહેશે અને ભૂલાશે નહિ.

12પણ હે સૈન્યોના યહોવાહ, ન્યાયની કસોટી કરનાર અને અંત:કરણ તથા હૃદયને પારખનાર, તેમના પર કરેલો તમારો પ્રતિકાર અને બદલો જોવા દો, કેમ કે મેં મારો દાવો તમારી આગળ રજૂ કર્યો છે.

13યહોવાહનું ગીત ગાઓ, યહોવાહની સ્તુતિ કરો! કેમ કે તેમણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓના જીવ બચાવ્યા છે.

14જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.

15‘તને દીકરો થયો છે’ એવી વધામણી, જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.

16જે નગરો યહોવાહે નષ્ટ કર્યા છે અને દયા કરી નહિ. તેઓની જેમ તે માણસ નાશ પામે. તે માણસ સવારમાં વિલાપ અને બપોરે રણનાદ સાંભળો.

17કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત.

18શા માટે હું કષ્ટો અને દુ:ખ સહન કરવા ગર્ભમાંથી બહાર આવ્યો, જેથી મારા દિવસો લજ્જિત થાય?”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath