યર્મિયા 17
1યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા વજ્રકણીથી લખેલું છે. તે તેઓના હૃદયપટ પર અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે
2કેમ કે તેઓના લોકો દરેક ઊંચા પર્વતો પરનાં લીલા ઝાડ પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરીમ મૂર્તિઓનું સ્મરણ કરે છે,
3તેઓ પોતાની વેદીઓ પર્વતો પર તથા સર્વ નગરમાં સ્મરણમાં લાવે છે. તમારી સર્વ સંપત્તિ તથા તારો ધનસંગ્રહ હું બીજાઓને આપી દઈશ. કેમ કે તારાં પાપ તારી સર્વ સીમમાં છે.
4મેં તમને જે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો. હું અજાણ્યા દેશમાં તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ, તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.
5યહોવાહ આ પ્રમાણે કહે છે; જે પુરુષ, માણસ પર વિશ્વાસ રાખે છે; અને મનુષ્યના બળ પર પોતાનો આધાર રાખે છે અને યહોવાહ તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે.
6તે જંગલમાંની બોરડી જેવો થશે. અને હિત થશે ત્યારે તેના જોવામાં આવશે નહિ. તે અરણ્યમાં સૂકી જગ્યાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે.
7પરંતુ જે પુરુષ યહોવાહ પર વિશ્વાસ રાખે છે અને જેનો આધાર યહોવાહ છે તે આશીર્વાદિત છે.
8તે પાણીની પાસે રોપેલા ઝાડ જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ગરમીમાં તેને કશો ડર લાગશે નહિ. તેનાં પાંદડાં લીલાં રહેશે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા રહેશે નહિ. તે ફળ આપ્યા વગર રહેશે નહિ.
9હૃદય સૌથી કપટી છે, તે અતિશય દુષ્ટ છે; તેને કોણ જાણી શકે?
10હું યહોવાહ મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું. દરેકને હું તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપું છું.
11જેમ તીતર પોતે મૂકેલાં નહી તેવાં ઈંડાંને સેવે છે, તેના જેવો અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરનાર છે; તેનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી તે દ્રવ્ય છોડીને જશે અને અંતે તે મૂર્ખ ઠરશે.”
12પરંતુ અમારા સભાસ્થાનનું સ્થાન તે મહિમાવાન રાજ્યાસન, પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે.
13યહોવાહ ઇઝરાયલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે; જેઓ તારાથી વિમુખ થશે તેઓનું નામ ભૂંસાઈ જશે કેમ કે તેઓએ જીવનના પાણીના ઝરાનો એટલે યહોવાહનો ત્યાગ કર્યો છે.
14હે યહોવાહ, મને સાજો કરો, તો હું સાજો થઈશ. મારો ઉદ્ધાર કરો એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારા સ્રોત્ત છો.
15જુઓ, તેઓ મને પૂછે છે કે, યહોવાહનું વચન ક્યાં છે? તે મને સંભળાવો.”
16હું તો તમારી પાછળ ચાલનાર પાળક હોવાથી પાછો હઠ્યો નથી. અને મેં દુઃખી દિવસની આશા રાખી નથી. તમે જાણો છો જે મારે મુખેથી નીકળ્યું હતું તે તમારી હાજરીમાં બન્યું હતું.
17તમે મને ભયરૂપ ન થાઓ. સંકટના સમયમાં તમે મારા આશ્રય છો.
18જેઓ મારી પાછળ લાગ્યા છે તેઓ લજ્જિત થાઓ. પણ હું લજ્જિત ન થાઉં. તેઓ ગભરાય પણ હું ન ગભરાઉં. તેઓના પર વિપત્તિના દિવસ લાવો. તેઓનો બમણો નાશ કરો.”
19યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જા અને જઈને દરવાજે ઊભો રહે, જ્યાંથી યહૂદિયાના રાજાઓ અંદર આવે છે. અને જેમાં થઈને તેઓ બહાર જાય છે. અને યરુશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે.
20તેઓને કહે કે; ‘જેઓ આ દરવાજામાં થઈને અંદર જાય છે તે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાહનું વચન સાંભળો.
21યહોવાહ આ પ્રમાણે કહે છે; “તમે પોતાના વિષે સાવચેત રહો, વિશ્રામવારને દિવસે કોઈ બોજો ઉપાડશો નહિ કે યરુશાલેમના દરવાજામાં થઈને અંદર લાવશો નહિ.
22વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઈ કામ કરશો નહિ, પણ મેં તમારા પિતૃઓને આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.
23પણ તેઓએ સાંભળ્યું નહિ કે ઘ્યાન આપ્યું નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાભળ્યું નહિ કે શિખામણ માની નહિ.
24યહોવાહ કહે છે, વિશ્રામવારને દિવસે આ નગરના દરવાજામાં થઈને પણ કોઈ બોજો અંદર ન લાવતાં પણ વિશ્રામવારને પવિત્ર માની તેમાં કોઈ કામ નહિ કરતાં જો તમે મારું સાંભળશો જ સાંભળશો,
25તો આ નગરના દરવાજામાં થઈને દાઉદના સિંહાસન પર બિરાજનારા રાજાઓ રાજકુમારિકાઓ, રથોમાં અને ઘોડાઓ પર બેસીને તેઓ તથા તેઓના સરદારો અને યહૂદિયાના પુરુષો તથા યરુશાલેમના વતનીઓ અંદર આવશે અને આ નગર સદાકાળ ટકી રહેશે.
26યહૂદિયાના નગરોમાંથી, યરુશાલેમની આસપાસની જગ્યાઓમાંથી, બિન્યામીનના શહેરોમાંથી, શફેલાથી તેમ જ પર્વતોમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનીયાર્પણ, બલિદાનો, ખાદ્યાર્પણ અને લોબાન તથા સ્તુત્યાર્પણ લઈને યહોવાહના ઘરમાં આવશે.
27પરંતુ જો તમે વિશ્રામવારના દિવસને પવિત્ર માનવાનું તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડ્યા વગર અંદર પેસવાનું મારું વચન સાંભળશો નહિ, તો હું તેની ભાગળમાં અગ્નિ સળગાવીશ. તે યરુશાલેમના રાજમહેલોને બાળીને તેનો સંપૂર્ણ નાશ કરશે અને હોલવાશે નહિ.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath