ખ્રિસ્તી ધર્મ
પાછા

યર્મિયા 13

1યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જઈને શણનો કમરબંધ વેચાતો લાવ અને તે પહેર. અને તેને પાણીમાં બોળીશ નહિ.”

2તેથી મેં યહોવાહના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો.

3પછી બીજી વાર યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,

4“તેં જે કમરબંધ વેચાતો લાવીને પહેર્યો છે તે લઈને ઊઠ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”

5તેથી જેમ યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઈને સંતાડી મૂક્યો.

6ઘણા દિવસો વીત્યા પછી, યહોવાહે મને કહ્યું, “ઊઠ અને ફ્રાત નદીએ જા. અને મેં તને જે કમરબંધ સંતાડવા આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ આવ.”

7આથી હું ફ્રાત નદીએ પાછો ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો ત્યાં ખોદ્યું. પણ જુઓ! કમરબંધ બગડી ગયો હતો; તે સંપૂર્ણપણે નકામો થઈ ગયો હતો.

8પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,

9“યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તે જ રીતે હું યહૂદિયા અને યરુશાલેમનું ગર્વ ઉતારીશ.

10તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે, તેઓ પોતાના હૃદયના દુરાગ્રહ મુજબ ચાલે છે. અને બીજા દેવોની સેવા પૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે. આથી તે દુષ્ટ લોકોની પરિસ્થિતિ પણ આ કમરબંધ જેવી થશે કે જે તદ્દન નકામો થઈ ગયો છે.

11કેમ કે યહોવાહ કહે છે, જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે છે, તેમ ઇઝરાયલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી કમરે વીંટાળ્યા છે, જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’”

12તેથી તું તે લોકોને આ વચન કહે કે; ‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે.” તેઓ તને જવાબ આપશે, ‘શું અમે નથી જાણતા કે, દરેક બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે?’

13તું તેઓને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જુઓ, આ દેશના બધાં રહેવાસીઓને એટલે કે, જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલા છે તેઓને, યાજકોને, પ્રબોધકોને અને યરુશાલેમના સર્વ લોકોને હું ભાનભૂલેલા કરી દઈશ.

14હું તેઓને એકબીજાની સાથે લડાવીશ પિતાને તેમ જ દીકરાને હું એકબીજા સાથે અથડાવીશ. એમ યહોવાહ કહે છે. હું તેઓ પર દયા કે કરુણા દર્શાવીશ નહિ અને હું તેઓનો નાશ કરતાં અટકીશ નહિ.

15કાન દઈને સાંભળો, અભિમાની ન થાઓ. કેમ કે યહોવાહ બોલ્યા છે.

16અંધારું થાય તે પહેલાં, અને તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય તે અગાઉ, તમે જે પ્રકાશની આશા રાખો છો પણ તે જગ્યાને ગાઢ અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં તમારા ઈશ્વર યહોવાહને સન્માન આપો.

17પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના ટોળાંને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

18રાજા અને રાજમાતાને કહે કે, દીન થઈને બેસો, કેમ કે તમારો મુગટ, તમારું ગૌરવ અને મહિમા તે પડી ગયાં છે.”

19દક્ષિણનાં નગરો બંધ થઈ ગયાં છે, કોઈ તેને ઉઘાડનાર નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

20જેઓ ઉત્તર દિશામાંથી આવે છે, તેઓને તમે આંખો ઊંચી કરીને જુઓ. જે ટોળું મેં તને સોંપ્યું હતું, જે સુંદર ટોળું હતું તે ક્યાં છે?

21તારા પડોશી દેશો જેને તેં શીખવાડ્યું હતું અને જેઓને તેં મિત્રો ગણ્યા હતા તેઓને ઈશ્વર તારા પર રાજકર્તાઓ તરીકે બેસાડશે તો તું શું કહેશે? ત્યારે સ્ત્રીને પ્રસૂતિની પીડા થાય છે તેવી વેદના શું તને થશે નહિ?

22ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે આવ્યું છે?” તારાં ભયંકર પાપને કારણે તને નિર્વસ્ત્ર કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે.

23કૂશીઓ કદી પોતાની ચામડી અથવા દીપડાઓ પોતાના ટપકાં બદલી શકે ખરો? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા શું ભલું કરી શકો?

24તે માટે જેમ અરણ્યમાં ભૂસું પવનથી ઊડી જાય છે તેમ હું તમને વિખેરી નાખીશ.

25આ તારો હિસ્સો મેં નીમી આપેલો ભાગ એ જ છે, કેમ કે તું મને વીસરી ગયો છે અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે. એમ યહોવાહ કહે છે.

26તે માટે હું તારાં વસ્ત્રો તારા મોંઢા આગળ લઈ જઈશ અને તારી લાજ દેખાશે.

27જંગલમાંના પર્વતો પર જારકર્મ, તથા તારો ખોંખારો, તારા વ્યભિચારની બદફેલી તારાં એ ધિક્કારપાત્ર કૃત્યો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને અફસોસ! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી તારી એવી દશા રહેવાની?

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath