ન્યાયાધીશો 3
1હવે ઈશ્વરે જેઓએ કનાનની લડાઈઓનો અનુભવ કર્યો ન હતો એવા ઇઝરાયલી લોકોની પરીક્ષા કરવાને,
2ઇઝરાયલની નવી પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી તેઓ યુદ્ધકળા શીખે તે માટે ઈશ્વરે જે દેશજાતિઓ રહેવા દીધી તે આ છે:
3પલિસ્તીઓના પાંચ સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.
4ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી, તે આજ્ઞાઓ ઇઝરાયલ પાળશે કે નહિ, એ જાણવા, તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા.
5તેથી ઇઝરાયલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓની મધ્યે રહેતા હતા.
6તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા.
7ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વીસરી જઈને બઆલીમ તથા અશેરોથની પૂજા કરી.
8તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમ ના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
9જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કરવા સારુ કાલેબના નાના ભાઈ, કનાઝનો દીકરો, ઓથ્નીએલને ઇઝરાયલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો.
10ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને અરામના રાજા કૂશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઓથ્નીએલના સામર્થ્યથી કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
11ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
12ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.
13એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું.
14ઇઝરાયલના લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
15પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરાનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો. ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
16એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.
17તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પૃષ્ટ માણસ હતો.
18એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.
19તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, “મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે.” એગ્લોને કહ્યું, “ચૂપ રહે!” તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.
20એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું,” રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
21ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
22તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
23ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
24એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, “ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે.”
25જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.
26તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.
27ત્યાં આવીને તેણે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઊતર્યા અને તે તેઓની આગેવાની કરતો હતો.
28તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.
29તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
30તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
31એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath