ખ્રિસ્તી ધર્મ
પાછા

યશાયા 65

1“જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, ‘હું આ રહ્યો!

2જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા.

3તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે.

4તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે.

5તેઓ કહે છે, ‘દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.’ આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે.

6જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ.

7હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે. “જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.”

8આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, ત્યારે કોઈ કહે છે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,’ તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય.

9હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે. મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે.

10જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે.

11પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો

12તેઓને એટલે તમને તલવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.”

13આ પ્રભુ યહોવાહ કહે છે: જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો.

14જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો.

15તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ, હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ.

16જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે.

17કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ.

18પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું.

19હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ.

20ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ.

21તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે.

22તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.

23તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે.

24તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.

25વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; પણ ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath