યશાયા 5
1હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી.
2તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ.
3હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો.
4મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે?
5હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે
6હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે.
7કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.
8પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ!
9સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે.
10કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે.
11જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે!
12તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.
13તેથી મારા લોકો અજ્ઞાનતાને લીધે બંદીવાસમાં ગયા છે; તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે અને તેઓના સામાન્ય લોકો પાસે પીવા માટે કંઈ જ નથી.
14તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે.
15માણસ નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે તથા ગર્વિષ્ઠની દૃષ્ટિ નીચી કરવામાં આવશે.
16પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.
17ઘેટાં જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે અને ધનાઢ્યોના પાયમાલ થયેલાં સ્થાને, પારકાં લોકો ખાઈ જશે.
18જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ;
19જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.”
20જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ!
21જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!
22જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ છે તેઓને અફસોસ!
23તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે!
24તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.
25તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
26તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.
27તેઓમાં કોઈ થાકેલો નથી, કોઈ ઠોકર ખાતો નથી; નથી કોઈ ઝોકાં ખાતો કે નથી કોઈ ઊંઘતો; કોઈનો કમરબંધ ઢીલો નથી, કે કોઈ પગરખાંની દોરી તૂટેલી નથી;
28તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે અને ધનુષ્યો ખેંચેલાં છે; તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં ચક્રો વંટોળિયાના જેવાં છે.
29તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહના બચ્ચાની જેમ ગર્જના કરશે. તેઓ શિકારને પકડીને દૂર લઈ જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.
30તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath