યશાયા 59
1જુઓ, યહોવાહનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અથવા તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે.
2પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ.
3કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે.
4ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી. તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે.
5તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે.
6તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે.
7તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે.
8તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી.
9તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ.
10કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ.
11અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે.
12કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ.
13અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે.
14ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે; કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી.
15વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે. યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું.
16તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું.
17તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે. તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે.
18તેઓએ જે કર્યું હતું તે પ્રમાણેનો બદલો તેમણે આપ્યો છે, પોતાના વેરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ અને સમુદ્ર કિનારે આવેલોઓને તે શિક્ષા કરશે.
19તેથી તેઓ પશ્ચિમથી યહોવાહના નામનો અને પૂર્વથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે યહોવાહના શ્વાસથી ચાલતા પ્રવાહની જેમ ધસી આવશે.
20યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.”
21યહોવાહ કહે છે, “તેમની સાથે આ મારો કરાર છે,” “મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath