ખ્રિસ્તી ધર્મ
પાછા

યશાયા 49

1હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે.

2તેમણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે.

3તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ.”

4મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે.

5હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે.

6તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”

7ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: “રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે.

8યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે.

9તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’ તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે.

10તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.

11મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.”

12જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.

13હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.

14પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”

15શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.

16જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.

17જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે.

18તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.

19જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ, હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે.

20તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, ‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’

21પછી તું તારા મનમાં કહેશે, ‘મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?”

22પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.

23રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”

24શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?

25પણ યહોવાહ એવું કહે છે કે: “હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; કેમ કે હું તારા દુષ્ટોનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.

26અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath