યશાયા 44
1પણ હવે, હે મારા સેવક યાકૂબ અને હે મારા પસંદ કરેલા ઇઝરાયલ, મને સાંભળ:
2તારો કર્તા, ગર્ભસ્થાનમાં તને રચનાર અને તને સહાય કરનાર યહોવાહ એવું કહે છે: “હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.
3કેમ કે હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર ધારાઓ વહાવીશ; હું તારાં સંતાન ઉપર મારો આત્મા તથા તારા વંશજો પર મારો આશીર્વાદ રેડીશ.
4તેઓ પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નાળાં પાસે ઊગી નીકળતા વેલાની જેમ ઊગી નીકળશે.
5એક કહેશે, ‘હું યહોવાહનો છું’ અને બીજો યાકૂબનું નામ ધારણ કરશે; તથા ત્રીજો પોતાના હાથ પર ‘યહોવાહને અર્થે’ એવું લખાવશે અને ‘ઇઝરાયલના નામથી’ બોલાવાશે.”
6ઇઝરાયલના રાજા, તેના ઉદ્ધારક, સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “હું આદિ છું અને હું જ અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.
7મેં પુરાતન કાળના લોકોને સ્થાપન કર્યા, ત્યારથી મારા જેવો સંદેશો પ્રગટ કરનાર કોણ છે? જો કોઈ હોય તો તે આગળ આવે, પ્રગટ કરે અને તેની ઘોષણા કરે! વળી જે થવાનું તથા વીતવાનું છે, તે તેઓ જાહેર કરે!
8ગભરાશો નહિ કે બીશો નહિ. શું મેં પ્રાચીનકાળથી સંભળાવીને તેને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો: શું મારા વિના અન્ય કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નથી.”
9કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે.
10કોણે દેવને બનાવ્યો કે નકામી મૂર્તિને કોણે ઢાળી?
11જુઓ એના સર્વ સહકર્મીઓ લજ્જિત થશે; કારીગરો પોતે માણસો જ છે. તેઓ સર્વ ભેગા થાય તેઓ ભેગા રહે; તેઓ બી જશે અને લજ્જિત થશે.
12લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે.
13સુથાર રંગેલી દોરીથી તેને માપે છે અને ચોકથી રેખા દોરે છે. તે તેના પર રંધો મારે છે અને વર્તુળથી તેની રેખા દોરે છે. મંદિરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે તે તેને બનાવે છે.
14તે પોતાને માટે એરેજવૃક્ષ, દેવદાર અને એલોન વૃક્ષ કાપી નાખે છે. વનનાં વૃક્ષોમાંનું એક મજબૂત વૃક્ષ પોતાને માટે પસંદ કરે છે; તે દેવદાર રોપે છે અને વરસાદ તેને મોટું કરે છે.
15તે માણસને બળતણ તરીકે કામ લાગે છે અને તેમાંથી તાપે છે. હા, તેને સળગાવીને તેના પર રોટલી શેકે છે. વળી તેમાંથી તે દેવ બનાવીને તેને પ્રણામ કરે છે; તેની કોરેલી મૂર્તિ કરીને તે એને પગે લાગે છે.
16તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. વળી તે તાપે છે અને કહે છે, ‘વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે.”
17પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, તેની મૂર્તિ બનાવે છે, તે તેને પગે લાગે છે અને આદર આપે છે. અને તેની પ્રાર્થના કરીને કહે છે, “મને બચાવ, કેમ કે તું મારો દેવ છે.”
18તેઓ જાણતા નથી કે સમજતા પણ નથી, તેઓની આંખો અંધ છે, જે કંઈ જોઈ શકતી નથી તથા તેઓનાં હૃદય કંઈ જાણી શકતાં નથી.
19કોઈ ધ્યાનમાં લેતો નથી અને કહેતો નથી, આ લાકડાનો અર્ધો ભાગ મેં અગ્નિમાં બાંધ્યો; વળી તેના અંગારા પર રોટલી શેકી; મેં તેના ઉપર માંસ શેક્યું અને ખાધું. તો હવે, આ શેષ રહેલા લાકડામાંથી કોઈ અમંગળ વસ્તુ બનાવીને તેની પૂજા કેમ કરું? શું હું લાકડાના ટુકડાની આગળ નમુ?”
20તે જેમ રાખ ખાય છે, તેના મૂર્ખ હૃદયે તેને ભુલાવ્યો છે. તે પોતાનો જીવ બચાવી શકતો નથી, તે એવું કહી શકતો નથી કે, “મારા જમણા હાથમાં જૂઠો દેવ છે.”
21હે યાકૂબ તથા હે ઇઝરાયલ, એ વાતો વિષે વિચાર કર, કેમ કે તું મારો સેવક છે; મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે: હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી.
22મેં તારા અપરાધો મેઘની જેમ તથા તારાં પાપો વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.
23હે આકાશો, તમે હર્ષનાદ કરો, કેમ કે યહોવાહે તે કર્યું છે; હે પૃથ્વીના ઊંડાણો, તમે જયઘોષ કરો; હે પર્વતો, વન તથા તેમાંનાં સર્વ વૃક્ષો તમે ગાયન કરવા માંડો, કેમ કે યહોવાહે યાકૂબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં તે પોતાનો મહિમા પ્રગટ કરશે.
24તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ગર્ભસ્થાનથી તારો બનાવનાર એમ કહે છે: “હું યહોવાહ સર્વનો કર્તા છું; જે એકલા જ આકાશોને વિસ્તારે છે, પોતાની જાતે પૃથ્વીને વિસ્તારે છે.
25હું દંભીઓનાં ચિહ્નોને ખોટા ઠરાવું છું અને શકુન જોનારાઓને બેવકૂફ બનાવું છું; હું જ્ઞાનીઓના વચનને ઊંધું કરી નાખું છું અને તેઓની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.
26હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, જે યરુશાલેમ વિષે કહે છે, ‘તેમાં વસ્તી થશે;’ અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, “તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ.
27તે સમુદ્રને કહે છે કે, ‘તુ સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ.’
28તે કોરેશ વિષે કહે છે, ‘તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે’ વળી તે યરુશાલેમ વિષે કહે છે, ‘તું ફરી બંધાઈશ’ અને સભાસ્થાન વિષે કહે છે, ‘તારો પાયો નાખવામાં આવશે.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath