ખ્રિસ્તી ધર્મ
પાછા

યશાયા 41

1ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.

2કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.

3તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.

4કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.

5ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.

6દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’

7તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ.

8પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન,

9હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, ‘તું મારો સેવક છે,’ મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી.

10તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.

11જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે; તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે.

12જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે.

13કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને, તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ.

14હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.

15“જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.

16તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.

17દુ:ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે; હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ.

18હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.

19હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.

20હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.

21યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,” યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.”

22તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે.

23હવે પછી જે જે બીનાઓ કેવી રીતે પૂર્ણ થશે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી કંઈ સારું કે ભૂંડું કરો કે જેથી અમે ભયભીત થઈને આશ્ચર્ય પામીએ.

24જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.

25મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે.

26કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, “તે સત્ય છે” એમ અમે કહીએ? ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી.

27સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.

28જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે, જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે.

29જુઓ તેઓ સર્વ વ્યર્થ છે; અને તેઓનાં કામ શૂન્ય જ છે! તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા વ્યર્થ છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath