યશાયા 40
1તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”
2યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.
3સાંભળો કોઈ એવું પોકારે છે, “અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.”
4સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.
5યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે.
6“પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.
7ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.
8ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”
9હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!”
10જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે.
11ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.
12કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?
13કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે?
14તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે?
15જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે.
16લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી.
17સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે.
18તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?
19મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે.
20જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે.
21શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી?
22પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.
23અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે.
24જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.
25વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?”
26તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.
27યાકૂબ, શા માટે કહે છે, અને ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, “મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?”
28તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.
29થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે.
30છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે:
31પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath