યશાયા 36
1હિઝકિયા રાજાની કારકિર્દીના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.
2પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.
3ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે રાજમહેલનો અધિકારી હતો તે, સચિવ શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો તે, તેની પાસે મળવાને બહાર આવ્યા.
4રાબશાકેહએ તેઓને કહ્યું, “હિઝકિયાને કહેજો, આશ્શૂરના મહાન રાજા એવું પૂછે છે કે, ‘તું કોના પર ભરોસો રાખે છે?
5હું પૂછું છું કે, માત્ર મુખની વાતો એ જ યુદ્ધને માટે સલાહ તથા પરાક્રમનું કામ સારે? તેં કોના ઉપર ભરોસો રાખીને મારી સામે બંડ કર્યું છે?
6જો, તું આ ભાંગેલા બરુના દાંડા પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે કે, જેના ઉપર જો કોઈ ટેકે તો તે તેની હથેળીમાં પેસીને તેને વીંધી નાખશે! મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનાર સર્વ પ્રત્યે તેવો જ છે.
7પણ કદાચ તું મને કહેશે, “અમારા ઈશ્વર યહોવાહ પર અમે ભરોસો રાખીએ છીએ,” તો શું તે એ જ ઈશ્વર નથી કે જેમનાં ઉચ્ચસ્થાનો તથા વેદીઓને હિઝકિયાએ નષ્ટ કર્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે, “તમારે, યરુશાલેમમાં આ વેદી આગળ જ પ્રણામ કરવા?”
8તેથી હવે, હું તને બે હજાર ઘોડા આપું છું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા માલિક આશ્શૂરના રાજાની સાથે તું શરત કર.
9તમે કેમ કરીને મારા ઘણીના નબળામાં નબળા સરદારને પાછો ફેરવી શકો? કેમ કે તમારો ભરોસો મિસરના રથો અને ઘોડેસવારોમાં છે.
10તો હવે, શું હું યહોવાહની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા માટે તેના ઉપર ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે, “આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર!”
11પછી એલિયાકીમે, શેબ્ના તથા યોઆહાઝે રાબશાકેહને કહ્યું, “મહેરબાની કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”
12પણ રાબશાકેહએ તેઓને કહ્યું, “શું મારા માલિકે એ વચનો ફક્ત તારા માલિકને તથા તને કહેવાને માટે મને મોકલ્યો છે? જે માણસો કોટ ઉપર બેઠેલા છે અને જેઓ તારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા પોતાનું મૂત્ર પીવાને માટે નિર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”
13પછી રાબશાકેહએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આશ્શૂરના મહાન રાજાધિરાજનાં વચનો સાંભળો;
14રાજા કહે છે: ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ.
15વળી “યહોવાહ આપણને જરૂર છોડાવશે; આ નગર આશ્શૂરના રાજાના હાથમાં જશે નહિ. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો કરાવે નહિ.”
16હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરનો રાજા એમ કહે છે: ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો.
17જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા દેશના જેવો, ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીનો દેશ, તેમાં તમને લઈ જાઉં નહિ ત્યાં સુધી તમે એમ જ કરશો.’”
18‘યહોવાહ આપણને છોડાવશે,’ એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે?
19હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં છે? શું તેઓએ મારા હાથમાંથી સમરુનને છોડાવ્યું છે?
20એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?”
21તેઓ છાના રહ્યા અને તેના જવાબમાં એક પણ શબ્દ બોલ્યા નહિ, કેમ કે રાજાની આજ્ઞા એવી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ.”
22પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે મહેલનો અધિકારી હતો તે, લેખક શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાડીને હિઝકિયા પાસે પાછા આવ્યા અને રાબશાકેહના શબ્દો કહી સંભળાવ્યા.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath