યશાયા 34
1હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો તમે કાન ધરો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળો.
2કેમ કે સર્વ પ્રજાઓ પર અને તેના સર્વ સૈન્યો પર યહોવાહને ક્રોધ ચઢ્યો છે; તેમણે તેમનો સંપૂર્ણ નાશ કર્યો છે, તેઓને સંહારને આધીન કર્યા છે.
3તેમના મારી નંખાયેલા નાખી દેવામાં આવશે; અને તેમના મૃતદેહો દુર્ગંધ મારશે, અને પર્વતો તેમના રક્તથી ઢંકાઈ જશે.
4આકાશના સર્વ તારાઓ ખરી પડશે, અને આકાશ ઓળિયાની જેમ વાળી લેવાશે; અને તેના સર્વ તારાઓ ખરી પડશે જેમ દ્રાક્ષાવેલા પરથી પાંદડુ ખરી પડે છે અને પાકી ગયેલાં અંજીર ઝાડ પરથી ખરે છે તેમ તે ખરી પડશે.
5કેમ કે મારી તલવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે, જુઓ, હવે તે અદોમ અને આ લોકોનો નાશ કરવાને તેમના ઉપર ઊતરશે.
6યહોવાહની તલવાર રક્તથી અને મેદથી, જાણે હલવાન તથા બકરાંના રક્તથી, બકરાના ગુરદાનાં મેદથી તરબોળ થયેલી છે. કેમ કે, બોસરામાં યહોવાહનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ થયેલી છે.
7જંગલના ગોધાઓ, બળદો અને વાછરડાઓ એ બધાની કતલ એકસાથે થશે. તેઓની ભૂમિ રક્તથી તરબોળ થશે અને તેઓની ધૂળ મેદથી મિશ્રિત થશે.
8કેમ કે, તે યહોવાહનો વેર વાળવાનો દિવસ છે અને સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
9અદોમનાં નાળાંઓ ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થઈ જશે, અને તેની ભૂમિ બળતો ડામર થશે.
10તે રાત અને દિવસ બળતું રહેશે; તેનો ધુમાડો સદા ઊંચે ચઢશે; તેની ભૂમિ પેઢી દરપેઢી ઉજ્જડ રહેશે; સદાને માટે તેમાં થઈને કોઈ જશે નહિ.
11પણ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓ નું તે વતન થશે; ઘુવડ તથા કાગડા ત્યાં તેમના માળા બાંધશે. અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.
12તેના ધનિકોની પાસે રાજ્ય કહેવાને માટે કશું હશે નહિ અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે.
13તેના રાજમહેલોમાં કાંટા અને તેના કિલ્લાઓમાં કૌવચ અને ઝાંખરાં ઊગશે. ત્યાં શિયાળોનું રહેઠાણ અને ત્યાં શાહમૃગનો વાડો થશે.
14ત્યાં જંગલનાં પ્રાણીઓ અને વરુઓ ભેગા થશે અને જંગલનાં બકરાઓ એકબીજાને પોકારશે. નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે અને પોતાને માટે વિશ્રામસ્થાન બનાવશે.
15ઘુવડો ત્યાં માળો બાંધશે, ઈંડાં મૂકશે અને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે. હા, ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
16યહોવાહના પુસ્તકમાં શોધ કરો; તેઓમાંથી એક પણ બાકી રહેશે નહિ. કોઈપણ પોતાના સાથી વિનાનું માલૂમ પડશે નહિ, કેમ કે તેમના મુખે આ આજ્ઞા આપી છે અને તેમના આત્માએ તેઓને એકઠાં કર્યાં છે.
17તેમણે તેઓના માટે ચિઠ્ઠી નાખી છે અને તેમના હાથે દોરીથી માપીને તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે; પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath