યશાયા 30
1યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” “તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે.
2તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે.
3તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.
4જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.
5તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”
6નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
7પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.
8પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
9કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે.
10તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;
11માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”
12તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, “કેમ કે તમે આ વાતને નકારો છો અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો,
13માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
14કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
15પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
16ઊલટું તમે કહ્યું, ‘ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,’ તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, ‘અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,’ તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
17એકની ધમકીથી એક હજાર નાસી જશે; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.”
18તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.
19હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.
20જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે.
21જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, “આ માર્ગ છે, તે પર તમે ચાલો.”
22વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
23જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે.
24ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે.
25વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.
26ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.
27જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
28તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે.
29પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.
30યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.
31કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
32યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
33કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath