ખ્રિસ્તી ધર્મ
પાછા

હિબ્રૂઓને પત્ર 9

1હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.

2કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.

3અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.

4તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,

5અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.

6હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.

7પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.

8તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.

9વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.

10તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.

11ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,

12બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

13કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,

14તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?

15માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે.

16કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.

17કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?

18એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી.

19કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,

20‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.

21તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું.

22નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

23સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી.

24કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

25જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી.

26કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા.

27જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે.

28તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath