હિબ્રૂઓને પત્ર 6
1માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
2બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ.
3જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.
4કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
5જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો,
6અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
7જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
8પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
9પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
10કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
11અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,
12માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
13કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
14ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
15એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
16માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે.
17તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
18એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
19તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
20ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath