ખ્રિસ્તી ધર્મ
પાછા

હિબ્રૂઓને પત્ર 13

1ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.

2પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

3બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.

4લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

5દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”

6તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

7જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો.

8ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

9તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.

10આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.

11કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.

12એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.

13તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.

14કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

15માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.

16ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.

17તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.

18તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.

19તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.

20હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં,

21તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

22ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.

23તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.

24તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.

25તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath