ખ્રિસ્તી ધર્મ
પાછા

હિબ્રૂઓને પત્ર 10

1કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.

2જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.

3પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.

4કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.

5એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.

6દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.

7ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.

8ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.

9ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.

10તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

11દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.

12પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.

13હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.

14કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.

15પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,

16‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”

17પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”

18હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.

19મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.

20તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;

21વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,

22તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.

23આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.

24પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.

25જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.

26કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,

27પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.

28જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.

29તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?

30કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.

31જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.

32પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,

33પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.

34કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.

35એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.

36કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.

37કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.

38પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.

39પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath