ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 50

1પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.

2યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.

3સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.

4જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, “તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,

5‘મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, “હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો.” તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.’

6ફારુને જવાબ આપ્યો, “તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા.”

7યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા.

8યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.

9તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.

10જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.

11આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, “મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે.” તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.

12પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું.

13તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.

14તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.

15પિતાના મૃત્યુને લીધે યૂસફના ભાઈઓ ગભરાઈ ગયા. તેઓને મનમાં થયું કે, “જો યૂસફ આપણો દ્વેષ કરશે અને આપણે તેની સાથે જે દુર્વ્યવહાર કર્યો હતો તેનું વેર વાળવાનું તે ઇચ્છશે તો આપણું શું થશે?”

16તેથી તેઓએ યૂસફને સંદેશ કહેવડાવી મોકલ્યો, “તારા પિતાએ મૃત્યુ પામ્યા અગાઉ સૂચન આપીને અમને કહ્યું હતું,

17‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, “તેઓએ તારી સાથે જે ખરાબ વર્તન કર્યું અને તારો અપરાધ કર્યો તે માટે કૃપા કરીને તારા પિતાના ઈશ્વરના ભાઈઓને માફ કરજે.’ જયારે તે સંદેશ તેને મળ્યો ત્યારે યૂસફ ગળગળો થઈ ગયો.

18તેના ભાઈઓએ જઈને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેઓએ કહ્યું, “જો, અમે તારા દાસો છીએ.”

19પણ યૂસફે તેઓને જવાબ આપ્યો, “બીશો નહિ. શું હું ઈશ્વરના સ્થાને છું?

20તમે તો મારું ખરાબ કરવા ઇચ્છ્યું હતું પણ તમે આજે જેમ જોયું તેમ ઘણાં લોકોના જીવ બચાવવા ઈશ્વરે તેમાં સારું કર્યું.

21તે માટે હવે ગભરાશો નહિ. હું પોતે તમારી તથા તમારાં બાળકોની સંભાળ રાખીશ.” એમ તેણે તેઓને દિલાસો આપ્યો અને તેઓની સાથે હેતથી વાત કરી.

22યૂસફ પોતાના ભાઈઓ અને સંતાનો સાથે મિસરમાં રહ્યો. તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો.

23યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા.

24જ્યારે મૃત્યુ થવાનું હતું ત્યારે યૂસફે તેના ભાઈઓ અને પરિવારને કહ્યું, “હું તો મૃત્યુ પામી રહ્યો છું પણ ઈશ્વર નિશ્ચે તમારી ખબર લેશે અને તેમણે જે દેશ સંબંધી આપણા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તે મુજબ ઈશ્વર આ દેશમાંથી આપણા દેશમાં તમને લઈ જશે.”

25પછી યૂસફે ઇઝરાયલપુત્રોને પ્રતિજ્ઞા લેવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી પાસે નિશ્ચે આવશે; તમે અહીંથી જાઓ તે સમયે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”

26યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath