ઉત્પત્તિ 46
1ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેરશેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
2ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં સંદર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”
3તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
4હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.”
5યાકૂબ બેરશેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
6તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
7તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
8જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
9રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;
10શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
11લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.
12યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;
13ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;
14ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
15યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
16ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
17આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
18લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.
19યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
20યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
21બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
22તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
23દાન તથા તેનો દીકરો હુશીમ;
24નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
25લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
26યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
27યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
28યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
29યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
30ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”
31યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, ‘મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
32તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.”
33અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?’
34ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath