ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 44

1યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.

2મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.

3સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.

4તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?

5મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’”

6કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.

7તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!

8અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?

9હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.”

10કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”

11પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.

12કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.

13તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.

14યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.

15યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?”

16યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.”

17યૂસફે કહ્યું, “એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ.”

18પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.

19જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, “શું તમારે પિતા અથવા ભાઈ છે?

20અમે અમારા ઘણીને કહ્યું હતું કે, ‘અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.”

21પછી તેં તારા ચાકરોને કહ્યું, ‘તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.’

22અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.”

23અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’

24પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.

25પછી અમારા પિતાએ કહ્યું, ‘ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.’

26પણ અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.”

27એટલે અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.

28તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, “ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી.”

29પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.”

30તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,

31અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે.

32કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, ‘જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.”

33હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.

34કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath