ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 37

1યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.

2યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.

3હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.

4તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.

5યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.

6તેણે તેઓને કહ્યું, “મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો.”

7આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી.”

8તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે? “તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.

9તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં.”

10જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?”

11તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.

12તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા.

13ઇઝરાયલે યૂસફને કહ્યું, “શું તારા ભાઈઓ શખેમમાં ઘેટાંબકરાં ચરાવતા નથી? હું તને તેઓની પાસે મોકલું છું.” યૂસફે તેને કહ્યું, “હું તૈયાર છું.”

14તેણે તેને કહ્યું, “હવે જા, તારા ભાઈઓ તથા ટોળાં સારાં છે કે નહિ તે જો અને મારી પાસે ખબર લઈ આવ.” પછી યાકૂબે તેને હેબ્રોનની ખીણમાંથી રવાના કર્યો અને યૂસફ શખેમમાં ગયો.

15જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, “તું કોને શોધે છે?”

16યૂસફે કહ્યું, “હું મારા ભાઈઓને શોધું છું. કૃપા કરી, મને કહે કે, તેઓ અમારા પશુઓનાં ટોળાંને ક્યાં ચરાવે છે?”

17તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં.

18તેઓએ તેને દૂરથી જોયો અને તેઓની પાસે તે આવી પહોંચે તે અગાઉ તેને મારી નાખવાને પેંતરો રચ્યો.

19તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.

20હવે ચાલો, આપણે તેને મારી નાખીને કોઈએક ખાડામાં નાખી દઈએ. પછી આપણે જાહેર કરીશું કે, ‘કોઈ જંગલી પશુ તેને ખાઈ ગયું છે.’ પછી તેના સ્વપ્નનું શું થાય છે તે આપણે જોઈશું.”

21રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.”

22તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.”

23યૂસફ જયારે તેના ભાઈઓની પાસે પહોંચ્યો, ત્યારે તેઓએ તેના અંગ પરનો ઝભ્ભો ઝૂંટવી લીધો.

24તેઓએ તેને પકડીને ખાડામાં નાખી દીધો. પણ તે ખાડો ખાલી હતો અને તેમાં પાણી ન હતું.

25પછી તેઓ ભોજન કરવા માટે નીચે બેઠા. તેઓએ તેમની આંખો ઊંચી કરીને જોયું, તો, ઇશ્માએલીઓનો સંઘ ગિલ્યાદથી આવતો હતો. પોતાની સાથે સુગંધીઓ, ઔષધ તથા બોળથી લાદેલાં ઊંટોને લઈને તેઓ મિસર દેશમાં જતા હતા.

26યહૂદાએ તેના ભાઈઓને કહ્યું, “જો આપણે આપણા ભાઈને મારી નાખીને તેનું લોહી સંતાડી દઈએ તો તેથી આપણને શું મળે?

27ચાલો, આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને આપણે તેને કશું નુકસાન કરીએ નહિ. કેમ કે તે આપણો ભાઈ તથા આપણા કુટુંબનો છે.” તેના ભાઈઓએ તેનું કહેવું સ્વીકાર્યું.

28મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

29રુબેન પાછો ખાડાની પાસે આવ્યો અને જુઓ, યૂસફ તો ખાડામાં નહોતો. તેણે તેનાં વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કર્યો.

30તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “યુસફ ક્યાં છે? અને હું ક્યાં જાઉં?”

31પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો.

32પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?”

33યાકૂબે તે ઓળખીને કહ્યું, “તે મારા દીકરાનો ઝભ્ભો છે. કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે. ચોક્કસ યૂસફને ફાડી ખાવામાં આવ્યો છે.”

34યાકૂબે તેનાં વસ્ત્રો ફાડયાં અને તેની કમરે ટાટ બાંધ્યું. તેણે તેના દીકરાને માટે ઘણાં દિવસો સુધી શોક કર્યો.

35તેના સર્વ દીકરાઓ તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવીને ઊભા રહ્યાં. પણ તેણે દિલાસો પામવાની ના પાડી. તેણે કહ્યું, “હું નિશ્ચે શોક કરતો શેઓલમાં મારા દીકરાની પાસે જઈશ.” તેનો પિતા તેને સારુ રડ્યો.

36પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath