ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 32

1યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા.

2જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, “આ તો ઈશ્વરની છાવણી છે,” તેથી તેણે તે જગ્યાનું નામ ‘માહનાઇમ ’ પાડ્યું.

3યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા.

4તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: ‘આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો.

5મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે.”

6એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, “અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે.

7તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.

8તેણે કહ્યું, “જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.

9યાકૂબે કહ્યું, “પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, ‘તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,’

10તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.

11કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે.

12પણ તમે તો કહેલું છે કે, ‘નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.’”

13યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું.

14એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં,

15ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.

16એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.

17તેણે પહેલાને આજ્ઞા આપી, “મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, ‘તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?’

18ત્યારે તું કહેજે, ‘તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.’”

19યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, “જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.

20તમે એમ પણ કહેજો, ‘તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.’ કેમ કે તેણે વિચાર્યું, “જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે.”

21તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.

22યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા.

23આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા.

24યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું.

25જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો.

26તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.”

27તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે? “યાકૂબે કહ્યું, “યાકૂબ.”

28તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.”

29યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો.

30યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.”

31યાકૂબ પનુએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો.

32તે માટે ઇઝરાયલના લોકો આજ સુધી જાંઘના સાંધા પરનું માંસ ખાતા નથી. કેમ કે તે માણસે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને ઈજા કરી હતી. તેનાથી યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો હતો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath