ઉત્પત્તિ 31
1હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, “જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે.”
2યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.
3પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.
4યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.
5અને તેઓને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.
6તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.
7તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.”
8તેણે કહ્યું હતું કે, ‘છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,’ પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.
9એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.
10એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.
11ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ.’ મેં કહ્યું, ‘હું આ રહ્યો”
12તેણે કહ્યું, ‘તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.
13જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા.”
14રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, “શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?
15શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.
16કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો.”
17પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.
18તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.
19પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.
20યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.
21તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.
22ત્રીજે દિવસે લાબાનને કહેવામાં આવ્યું કે યાકૂબ નાસી ગયો છે.
23તેથી તે તેની સાથે તેના સગાંઓને લઈને સાત દિવસની મુસાફરી જેટલા અંતર સુધી તેની પાછળ પડ્યો. તે ગિલ્યાદ પર્વત પર તેની આગળ નીકળી આવ્યો હતો.
24હવે રાત્રે લાબાન અરામીના સ્વપ્નમાં ઈશ્વરે કહ્યું હતું, “તું યાકૂબને ખરું અથવા ખોટું કહેવા વિષે સાવચેત રહેજે.”
25લાબાન યાકૂબની આગળ પહોંચી ગયો હતો. હવે યાકૂબે પહાડ પર તેનો તંબુ બાંધ્યો હતો. લાબાને પણ તેના સગાંઓ સાથે ગિલ્યાદ પહાડ પર તંબુ બાંધ્યો હતો.
26લાબાને યાકૂબને કહ્યું, “આ તેં શું કર્યું છે, તેં મને છેતર્યો અને લડાઈમાં પકડેલા કેદીઓની જેમ મારી દીકરીઓને તું લઈ જાય છે?
27શા માટે છાનોમાનો નાસી જાય છે? તેં કુયુક્તિથી મને અજાણ રાખ્યો છે. હું ગીતોથી, ખંજરીથી તથા વીણા વગાડીને ઊજવણી કરીને તને વિદાય આપત.
28તેં મને મારા પૌત્રોને ચુંબન કરવા દીધું નહિ અને મારી દીકરીઓને ‘આવજો’ કહેવા પણ ન દીધુ. તેં ભારે મૂર્ખાઈ કરી છે.
29તને નુકસાન કરવાની તાકાત મારા હાથમાં છે પણ તારા પિતાના ઈશ્વરે ગતરાત્રે મારી સાથે વાત કરતા કહ્યું, ‘તું યાકૂબને ખરુંખોટું કહેવા વિષે સાવચેત રહેજે”
30અને હવે તારે જવું જોઈએ, કેમ કે તારા પિતાના ઘર માટે તું ઘણો આતુર થયો છે. પણ તેં મારી મૂર્તિઓને કેમ ચોરી લીધી છે?”
31યાકૂબે ઉત્તર આપીને લાબાનને કહ્યું, “હું તારાથી ગભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી બળજબરીથી લઈ લેશે તેથી હું છાની રીતે નાસી આવ્યો.
32જેણે તારા દેવો ચોર્યા હશે તે જીવતો રહેશે નહિ. મારી પાસે જે કંઈ છે તારું છે. જો મૂર્તિઓ હોય તો તે આપણા સગાઓની હાજરીમાં તું લઈ લે.” કેમ કે યાકૂબ જાણતો નહોતો કે રાહેલે તેઓને ચોરી લીધી હતી.
33લાબાન યાકૂબના તંબુમાં, લેઆના તંબુમાં અને બે દાસીઓના તંબુમાં ગયો, પણ તેને તે મૂર્તિઓ મળી નહિ. તે લેઆના તંબુમાંથી બહાર નીકળીને રાહેલના તંબુમાં ગયો.
34હવે રાહેલ ઘરની મૂર્તિઓને લઈને ઊંટોના જીન ઉપર તેઓને મૂકીને તે પર બેઠી હતી માટે લાબાનને તે મળી નહિ.
35તેણે તેના પિતાને કહ્યું, “મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી.” આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ.
36યાકૂબ ગુસ્સે થયો અને લાબાન સાથે વિવાદ કર્યો. યાકૂબે લાબાનને કહ્યું, “મારો અપરાધ શો છે? મારું પાપ શું છે કે તું આટલી ઉગ્ર રીતે મારી પાછળ પડ્યો છે?
37કેમ કે તેં મારો સર્વ સામાન તપાસ્યો છે. પણ તારા ઘરનું કશું મળી આવ્યું નથી. જો ચોરેલું કશું પકડાયું હોય તો તે અહીં આપણા સંબંધીઓની આગળ મૂક, કે જેથી તેઓ આપણા બન્નેનો ન્યાય કરે.
38વીસ વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ જન્મ આપવામાં અસફળ ગઈ નથી, ના તો હું તારા ટોળાંનાં ઘેટાંઓને ખાઈ ગયો.
39ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો ન હતો. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો હતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો.
40દિવસે તાપથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થયો; અને મારી આંખની ઊંઘ જતી રહી; એવી મારી હાલત હતી.
41આ વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારુ ચૌદ વર્ષ તથા તારાં જાનવરોને સારુ છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. તેં દસ વાર મારા વેતનનો કરાર ભંગ કર્યો હતો.
42જો મારા દાદા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાક જે ઈશ્વરના ભયમાં ચાલતા હતા, તે ઈશ્વર મારી સાથે ન હોત, તો નિશ્ચે આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. ઈશ્વરે તારો અત્યાચાર તથા મારી સખત મહેનત જોયાં છે અને તેથી તેમણે ગતરાત્રે તને ઠપકો આપ્યો છે.”
43લાબાને ઉત્તર આપીને યાકૂબને કહ્યું, “આ દીકરીઓ મારી દીકરીઓ છે, આ છોકરાઓ મારા છોકરા છે અને આ ટોળાં મારાં ટોળાં છે. જે સર્વ તું જુએ છે તે મારું છે. પણ હવે આ મારી દીકરીઓને તથા તેઓએ જે બાળકોને જન્મ આપ્યો છે, તેઓને લીધે તને હું શું કરું?
44તેથી હવે ચાલ, આપણે બન્ને કરાર કરીએ અને તે મારી તથા તારી વચ્ચે સાક્ષી થશે.”
45તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.
46યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, “પથ્થર એકઠા કરો.” તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.
47લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.
48લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે.
49તેનું નામ મિસ્પાહ પણ પાડવામાં આવ્યું, કેમ કે લાબાને કહ્યું, “જયારે આપણે એકબીજાથી જુદા પડીએ, ત્યારે ઈશ્વર મારી અને તારી પર નજર રાખે.
50જો તું મારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે અથવા મારી દીકરીઓ સિવાય બીજી પત્નીઓ કરે, તો આપણી વચ્ચે કોઈ માણસ નહિ પણ ઈશ્વર સાક્ષી છે.”
51લાબાને યાકૂબને કહ્યું, “આ પથ્થરનાં ગંજને એટલે તારી તથા મારી વચ્ચે મેં જે સ્તંભ ઊભો કર્યો છે તે જો.
52આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ.
53ઇબ્રાહિમના ઈશ્વર તથા નાહોરના ઈશ્વર, એટલે તેઓના પિતાના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” યાકૂબે પોતાના પિતા ઇસહાક જે ઈશ્વરનો ભય રાખતા હતા તેમના સમ ખાધા.
54યાકૂબે પહાડ પર બલિદાન આપ્યું અને ભોજન કરવાને તેના સંબંધીઓને બોલાવ્યા. તેઓએ ભોજન કર્યું અને આખી રાત પહાડ પર વિતાવી.
55વહેલી સવારે લાબાન ઊઠ્યો અને પોતાના પૌત્રો-પૌત્રીઓને તથા પોતાની દીકરીઓને ચુંબન કરીને તેઓને આશીર્વાદ આપ્યો. પછી લાબાન ત્યાંથી પાછો વળીને પોતાને ઘરે પાછો ગયો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath