ખ્રિસ્તી ધર્મ
પાછા

ઉત્પત્તિ 18

1બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું.

2તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.

3તેણે કહ્યું, “હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.

4હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.

5હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.”

6પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.”

7પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.

8તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.

9તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “ત્યાં, તંબુમાં છે.”

10યહોવાહે તેને કહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે.” તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.

11હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.

12તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, “હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?”

13ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શા માટે સારા એમ કહેતાં હસી કે, ‘શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?’

14ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે.”

15પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, “હું તો હસી નથી, “કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, “ના, તું નિશ્ચે હસી છે.”

16પછી તે પુરુષો ત્યાંથી જવાને ઊઠ્યા અને સદોમ તરફ જોયું. ઇબ્રાહિમ તેઓને તેઓના રસ્તા સુધી વળાવવા તેઓની સાથે ગયો.

17પણ ઈશ્વરે કહ્યું, “જે હું કરવાનો છું તે શું હું ઇબ્રાહિમથી સંતાડું?

18કેમ કે ઇબ્રાહિમથી નિશ્ચે એક મોટી તથા સમર્થ દેશજાતિ થશે અને તેના વંશમાં પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદિત થશે.

19મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”

20પછી ઈશ્વરે કહ્યું, “કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,

21માટે હું હવે, ત્યાં નીચે ઊતરીશ અને જોઈશ કે જે ફરિયાદ મારા સુધી પહોંચી છે તે પ્રમાણે તેઓ ભ્રષ્ટ થયા છે કે નહિ. જો એવું નહિ હોય તો મને માલૂમ પડશે.

22તેથી તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા, પણ ઇબ્રાહિમ ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો.

23પછી ઇબ્રાહિમે પાસે આવીને કહ્યું, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?

24કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો?

25એવું કરવાનું તમે ટાળો. એટલે ભ્રષ્ટ લોકોની સાથે ન્યાયીઓને મારી નાખવા. અને દુષ્ટો જેવો જ વ્યવહાર ન્યાયીઓની સાથે થાય એવું તો તમે નહિ જ કરો! આખી પૃથ્વીના ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”

26ઈશ્વરે કહ્યું, “જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ.”

27ઇબ્રાહિમે ઉત્તર આપ્યો અને કહ્યું, “મેં શું કર્યું છે? હું ધૂળ તથા રાખ હોવા છતાં મેં પ્રભુ ઈશ્વરની આગળ બોલવાની હિંમત કરી છે!

28જો ત્યાં પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય તો પાંચ ઓછા હોવાના લીધે શું તમે તે નગરનો નાશ કરશો?” અને તેમણે કહ્યું, “જો મને ત્યાં પિસ્તાળીસ ન્યાયી મળશે, તો પણ હું તેનો નાશ નહિ કરું.”

29તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, “કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું.”

30તેણે કહ્યું, “કૃપા કરીને પ્રભુ, ગુસ્સે ના થાઓ તો હું બોલું. કદાચ ત્યાં ત્રીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “જો ત્યાં ત્રીસ ન્યાયી મળે તો પણ હું નગરને એવું કરીશ નહિ.”

31તેણે કહ્યું, “મેં પ્રભુ આગળ બોલવાની હિંમત કરી છે! કદાચ ત્યાં વીસ મળે તો. “તેમણે ઉત્તર આપ્યો, “વીસ ન્યાયીને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.”

32અંતે તેણે કહ્યું, “પ્રભુ, કૃપા કરીને ગુસ્સે ન થાઓ તો આ છેલ્લી વાર હું બોલું. કદાચ ત્યાં દસ ન્યાયી માણસો મળે તો?” તેમણે કહ્યું, “દસને લીધે પણ હું તેનો નાશ નહિ કરું.”

33ઇબ્રાહિમ સાથે વાત પૂરી કરી થઈ. તે સાથે જ ઈશ્વર તેમના માર્ગે ચાલ્યા ગયા અને ઇબ્રાહિમ તેના ઘરે પાછો ગયો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath