હઝકિયેલ 3
1પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તને જે મળે છે તે ખા. જો, આ ઓળિયું ખા, પછી જઈને ઇઝરાયલી લોકો સાથે વાત કર.”
2તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેણે મને ઓળિયું ખવડાવ્યું.
3તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ ઓળિયું જે હું તને આપું છું તે ખા અને તારું પેટ ભર.” મેં તે ખાધું અને તે મારા મુખમાં મધ જેવું મીઠું લાગ્યું.
4પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહે.
5તને વિચિત્ર બોલી તથા મુશ્કેલ ભાષાવાળા લોકની પાસે નહિ, પણ ઇઝરાયલી પ્રજા પાસે મોકલવામાં આવે છે.
6હું તને કોઈ અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર શક્તિશાળી પ્રજા કે જેઓના શબ્દો તું સમજી શકતો નથી તેઓની પાસે હું તને મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત.
7પણ ઇઝરાયલી લોકો તારું સાંભળવા ઇચ્છતા નથી, કેમ કે, તેઓ મારું પણ સાંભળવા ઇચ્છતા નથી. કેમ કે ઇઝરાયલી લોકો કઠોર તથા હઠીલા હૃદયના છે.
8જો, હું તારું મુખ તેઓના મુખ જેટલું કઠણ અને તારું કપાળ તેઓના કપાળ જેટલું કઠોર કરીશ.
9મેં તારું કપાળ ચકમક કરતાં વજ્ર જેવું કઠણ કર્યું છે. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તું તેઓથી બીશ નહિ, તેમ જ તેમના ચહેરાથી ગભરાઈશ નહિ.”
10પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારાં સર્વ વચનો જે હું તને કહું તે તારા હૃદયમાં સ્વીકાર અને તારા કાને સાંભળ!
11પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.’”
12પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, “યહોવાહના ગૌરવને ધન્ય હો.” એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
13પેલા પશુઓની પાંખો એકબીજા સાથે અથડાતાં તેનો અવાજ સાંભળ્યો, તેઓની પાસેનાં પૈડાંનો તથા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
14પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
15હું તેલ-આબીબ કબાર નદીને કિનારે રહેતા બંદીવાનોની પાસે ગયો, હું સાત દિવસ સુધી તેઓની વચ્ચે સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
16સાત દિવસ પૂરા થયા પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
17“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી લોકો પર ચોકીદાર તરીકે નીમ્યો છે; તેથી મારા મુખમાંનાં વચન સાંભળ અને મારા તરફથી તેઓને ચેતવણી આપ.
18જ્યારે હું દુષ્ટને કહું કે, ‘તું નિશ્ચે માર્યો જશે’ જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
19પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે, તે પોતાની દુષ્ટતાથી કે પોતાના દુષ્ટ કાર્યોથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મરશે, પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.
20અને જો કોઈ ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરે અને દુષ્કર્મ કરે, ત્યારે હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે, કેમ કે તેં તેને ચેતવણી નથી આપી. તે પોતાના પાપને લીધે મરશે. તેણે કરેલાં સારાં કાર્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસે માગીશ.
21પણ જો તું ન્યાયી માણસને ચેતવે કે તે પાપ ન કરે અને તે પાપ ન કરે તો તે નિશ્ચે જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી છે અને તેં પોતાને બચાવ્યો છે.”
22ત્યાં યહોવાહનો હાથ મારા પર હતો, તેમણે મને કહ્યું, “ઊઠ, બહાર મેદાનમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ!”
23તેથી હું ઊઠીને બહાર મેદાનમાં ગયો, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તેવું જ યહોવાહનું ગૌરવ ત્યાં ઊભું હતું; હું ઊંધો પડી ગયો.
24ઈશ્વરનો આત્મા મારી પાસે આવ્યો અને મને મારા પગ પર ઊભો કર્યો; તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું, “ઘરે જઈને પોતાને ઘરની અંદર પ્રવેશી જા.
25કેમ કે હવે, હે મનુષ્યપુત્ર, તેઓ તને દોરડાં વડે બાંધી દેશે, જેથી તું તેઓ મધ્યે જઈ શકે નહિ.
26હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઈશ, જેથી તું મૂક થઈ જશે; તેઓને ઠપકો આપી શકશે નહિ; કેમ કે તેઓ બંડખોર પ્રજા છે.
27પણ હું તારી સાથે બોલીશ, ત્યારે હું તારું મુખ ખોલીશ, તું તેઓને કહેજે કે, ‘પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, કેમ કે તેઓ બંડખોરપ્રજા છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath