હઝકિયેલ 26
1અગિયારમા વર્ષમાં, મહિનાના પ્રથમ દિવસે, યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમ નગરી વિરુદ્ધ કહ્યું કે, “આહા, પ્રજાઓના દરવાજા ભાંગી ગયા છે! તે મારી તરફ વળી છે; એના વિનાશથી હું સમૃદ્ધ થઈશ.’”
3તેથી પ્રભુ યહોવાહ કહે છે: ‘હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા વિરુદ્ધ ઊભી કરીશ!
4તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને બુરજો તોડી પાડશે. હું તેની બધી રેતીને દૂર કરીશ અને ખુલ્લા ખડક રહેવા દઈશ.
5તે જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે, ‘પ્રજાઓ તેને લૂંટી લેશે.
6તેની દીકરીઓ જે ખેતરમાં છે તેઓ તલવારથી મરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
7પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું તૂરની વિરુદ્ધ બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદનેસ્સારને ઉત્તરમાંથી ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકોનાં જૂથો સહિત લાવીશ.
8તે તારી દીકરીઓને ખેતરમાં તલવારથી નાશ કરશે અને તારી વિરુદ્ધ દીવાલ બાંધશે. તે મોરચા રચશે અને તારી વિરુદ્ધ ઢાલ ઊંચી કરશે.
9તે તારી દીવાલ વિરુદ્ધ યંત્રોથી મારો ચલાવશે અને ઓજારોથી તારા બુરજો તોડી પાડશે.
10તેના ઘોડાઓ ઘણાં હોવાથી તેમની ધૂળ તને ઢાંકી દેશે, નગરના દરવાજા પર હુમલો થાય છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, રથોનાં પૈડાંના અવાજથી તારી દીવાલ કંપી ઊઠશે.
11તે ઘોડાઓની ખરીઓથી તારી સર્વ શેરીઓને કચડી નાખશે; તે તલવારથી તારા લોકોને મારી નાખશે અને તારા મજબૂત સ્તંભો જમીનદોસ્ત થઈ જશે.
12આ રીતે તેઓ તારી સંપત્તિ અને તારો માલ લૂંટી લેશે, તેઓ તારી દીવાલ તોડી પાડશે અને તારા વૈભવશાળી ઘરોને તોડી પાડવામાં આવશે. તારા પથ્થરોને, લાકડાંને અને ધૂળને પાણીમાં નાખી દેશે.
13હું તારાં ગીતોનો અવાજ બંધ કરી દઈશ અને તારી વીણાના અવાજ ફરી કદી સંભળાશે નહિ.
14કેમ કે હું તને ઉઘાડો ખડક બનાવી દઈશ, તું જાળ પાથરવાની જગા થશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ, કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું!” આમ પ્રભુ યહોવાહ કહે છે.
15“પ્રભુ યહોવાહ તૂરને કહે છે: તારામાં ભયાનક કતલ થયાથી ઘાયલ થયેલા નિસાસા નાખશે, તારા પતનથી દ્વીપો નહિ કાંપશે?
16કેમ કે સમુદ્રના બધા સરદારો તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને પોતાના ઝભ્ભાઓ કાઢી નાખશે અને પોતાનાં ભરતકામનાં વસ્ત્રો ઉતારશે, તેઓ બીકનાં વસ્ત્રો પહેરશે, તેઓ જમીન પર બેસશે અને તું નિરંતર ધ્રૂજશે અને તારા વિષે વિસ્મય પામશે.
17તેઓ તારે માટે વિલાપ કરશે અને કહેશે, તું એક વિખ્યાત નગરી હતી! તારામાં ખલાસીઓ રહેવાસીઓ હતા, તું અને તારા વતનીઓ સમુદ્રમાં પરાક્રમી હતા. તેમણે તેમાં રહેતા દરેક પર ધાક બેસાડ્યો છે,
18તારા પતન વખતે દ્વીપો ધ્રૂજી ઊઠશે, સમુદ્રના બધા દ્વીપો તારા સર્વનાશથી ભયભીત થશે.
19પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે, જ્યારે હું તને વસ્તી વગરનાં નગરોની માફક ઉજ્જડ કરીશ, જ્યારે હું તારી વિરુદ્ધ ઊંડાણોને ફેરવી વાળીશ, મહાજળાશય તને ઢાંકી દેશે,
20ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો ભેગો કરીશ, તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલી જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગો વસાવીશ કે, ફરીથી તારામાં વસ્તી નથાય, જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ સ્થાપીશ નહિ.
21હું તારા પર આફત લાવીશ, તારુ અસ્તિત્વ રહેશે નહિ. જો કોઈ તારી શોધ કરે તોપણ તું ફરી કદી મળશે નહિ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath