ખ્રિસ્તી ધર્મ
પાછા

હઝકિયેલ 17

1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

2હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.

3તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.

4વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; તેણે તે વેપારીઓના નગરમાં રોપી.

5તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.

6તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.

7પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.

8તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!”

9લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?

10હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’”

11યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,

12“તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.

13તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,

14તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.

15યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?

16પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, ‘હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે.

17જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.

18કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી.

19આથી પ્રભુ યહોવાહ કહે છે: ‘મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.

20હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ.

21તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.”

22પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.

23હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત દેવદાર વૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.

24વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath